Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભત્રીજીની પજવણી કરનાર યુવકને ઢોર મારમારી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે કાકા સહીત ચારને ઝડપી પાડી કાર્યવાહી કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભુજનાં કુકમા ગામે અવધનગરમાં ભત્રીજીની પજવણી કરતા યુવકના ઘરમાં મોડી રાત્રે ઘસી જઇ ધોકા પાઇપથી હુમલો કરી યુવાનની હત્યા નીપજાવી વૃધ્ધ માતા-પિતા અને ભાઇને ગંભીર ઇજા પહોંચાડીને નાસી ગયેલા યુવતીના બે કાકા સહિત ચાર આરોપીઓને પધ્ધર પોલીસે ગણતરીના કલાકોમાં ભુજોડી ગામના પાટીયા પાસેથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અવધનગરમાં રહેતા આરોપી કરશન ઉર્ફે કિશન મુળજીભાઇ મેરીયા અને સચીન મુળજીભાઇ મેરીયા અને તેમના બે સાગરીતો રાહુલ ઉર્ફે માસા કરશન મારવાડા તથા અરૂણ ઉર્ફે લાલો રામજી મારવાડા ચારેય જણાઓ અવધનગરમાં રહેતા મૃતક રમેશ પુંજાભાઇ મારવાડા (ઉ.વ.27) પર તેમની ભત્રીજીના નામની ચીઠ્ઠી તેમના ઘરમાં નાખી જતો હોવાનો વહેમ રાખીને મરણજનાર રમેશના ઘરે શુક્રવારે રાત્રીના સાડા બાર વાગ્યે હથિયારો સાથે ઘસી ગયા હતા. જ્યાં મરણ જનાર રમેશના પિતા પુજાભાઇ મારવાડા (ઉ.વ.65), માતા નામાબેન મારવાડા (ઉ.વ.60) અને ભાઇ દયારામ પુજાભાઇ મારવાડા (ઉ.વ.32) પર લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં આરોપી રાહુલ અને અરૂણે મરણજનાર રમેશને પકડી રાખ્યો હતો. અને કિશન મેરીયાએ રમેશના પેટ, છાતી અને માથામાં છરીના આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમીનાં આધારે પોલીસે આરોપી કિશન મેરીયા (ઉ.વ.32), સચિન મેરીયા (ઉ.વ.25.રહે અવધનગર કુકમા) અને ભુજ સુરલભીટ અંજલીનગરમાં રહેતા રાહુલ કરશન મારવાડા (ઉ.વ.22) તેમજ અરૂણ મારવાડા (ઉ.વ.26) નામના ચાર હત્યારાઓને ભુજોડી ગામના પાટીયા પાસે સામેની ગલીમાંથી દબોચી લીધા હતા. પધ્ધર પોલીસના સબ ઇન્સ્પેકટર એસ.એમ.ગોહિલ અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં હત્યારાઓને દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.