અમેરિકાના અલબામા રાજ્યમાં ગુજરાતી મૂળના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. ગુજરાતી મૂળના નાગરિકનો હોટેલનો બિઝનેસ હતો અને તેમનો એક રૂમને લઇને ગ્રાહક સાથે ઝઘડો થયો હતો. જેના કારણે ગ્રાહકે 76 વર્ષીય હોટેલ માલિકની ગોળી મારી હત્યા કરી હતી. શેફિલ્ડમાં પ્રવિણ રાવજીભાઇ પટેલની હિલક્રેસ્ટ મોટેલ આવેલી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા કરનાર 34 વર્ષીય વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી એક રૂમ ભાડેથી લેવા માગતો હતો. જે અંગે ઝઘડો થઇ જતાં ગુસ્સામાં આવીને યુવકે પટેલને પોતાની બંદૂકથી ગોળી મારી દીધી હતી. પોલીસે તરત જ હત્યા કરનાર યુવકની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ પછી તેની તપાસ દરમિયાન તેની પાસેથી બંદૂક મળી આવી હતી. ઘટના સ્થળે હાજર સાક્ષીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતાં. આ ઘટના અંગે એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશને દુખ વ્યક્ત કર્યુ છે. એએએચઓએના ચેરમેન ભરત પટેલે જણાવ્યું છે કે અમારા સમુદાયમાં આવા સંવેદનહીન હિંસક કૃત્યોને કોઇ સ્થાન નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકન પોલીસ આ ઘટનાની તપાસ કરીને પટેલના પરિવારજનોને ન્યાય અપાવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં અમેરિકામાં કેટલાક ભારતીયોની હત્યા કરવામાં આવી છે.




