કલભા નજીક દારૂ ભરેલી કારે પોલીસની જીપને ટક્કર મારતાં એક પોલીસ કર્મચારીનું મૃત્યુ નિપજ્યું હતું. દારૂબંધીનો અમલ કરાવતા પોલીસ કર્મચારીનો ભોગ લેનાર ભૂપેન્દ્ર ભાટી ઉર્ફે ભૂપીના મોબાઈલ ફોનમાં પોલીસ કર્મચારી એવા ૧૫ વહીવટદારોના નામ મળ્યાં હતાં. વોટ્સ-એપકોલઅને ચેટિંગમાં અમદાવાદ-ગાંધીનગરના પોલીસ સ્ટેશનોના ૧૫ વહીવટદારોના નામ બહાર આવ્યાં છે. હવે આ કેસ DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધો છે. જેને પગલે 15 વહીવટદારો રડારમાં આવ્યા છે. જેઓની જિલ્લા બહાર બદલીઓ કરી દેવામાં આવી છે.
જેઓના અંડરમાં આ વહીવટદારો નોકરી કરતા હતા તે પીઆઈ અને પીએસઆઈને પણ ગાંધીનગરથી ઠપકો પડ્યો છે. અઠવાડિયા પહેલાં તા. ૨૪ જાન્યુઆરીએ દેશી દારૂ ભરેલી કારના ચાલકે અમદાવાદ ગ્રામ્ય પોલીસની વાનને ટક્કર મારતાં કણભા પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ. બળદેવભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. ડીજીપીએ સ્ટેટ સેલને તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. આ કેસમાં પોલીસ તપાસમાં વહીવટદારો કણભાના બુટલેગરના સંપર્કમાં હતા. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના ૧૫ પોલીસ કર્મચારીઓના નંબર અને વોટ્સ ચેટ અને કોલ મળ્યાં હતાં.
આ વિગતો મળતાં જ ડીજીપી વિકાસ સહાયએ અમદાવાદ શહેરના ૧૨ અને ગાંધીનગરના ૩ પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી હતી. રિપોર્ટ બાદ આ તમામ ૧૫ વહીવટદાર સામે ખાતાકીય કાર્યવાહીની સંભાવના જોવાઈ રહી છે. આ તમામ પોલીસ કર્મચારીઓ વહીવટદાર તરીકે નોકરી કરતા હતા. જેઓ પોલીસ સ્ટેશનમાં બે નંબરી આવક અને ખર્ચા પૂરા કરવા માટે પોલીસ કર્મચારીને વહીવટદાર તરીકે નોકરી અપાય છે. ડીજીપી કક્ષાએથી વહીવટાદોરોની બદલીને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં આ કેસ એસએમસી સંભાળી રહી હોવાથી બીજા નવા નામો ખૂલે તો પણ નવાઈ નહીં. આ કેસમાં વહીવટદારોના આકાઓને ખાલી ઠપકો આપીને જવા દેવામાં આવ્યા છે. ખરેખર આ વહીવટની જડ તો આ અધિકારીઓ છે.




