આણંદ પાસેના નેશનલ હાઈવે પર પુરઝડપે જતી BMW કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલા અડફેટે ચડી જતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. આ અંગે શહેર પોલીસે ચાલકની અટક કરી પુછપરછ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદ શહેર પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે તારીખ 16ની રાત્રે ફરજ પર હતા, તે દરમિયાન નેશનલ હાઈવે પર ચરોતર સીએનજી ગેસ પંપ પાસે અકસ્માત થયાની જાણ થઇ હતી.
જેથી તેઓ સ્થળ પર પહોંચ્યાં તે સમયે નડિયાદથી વડોદરા તરફ જવાના રસ્તા પર અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી, તેને આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યારે અકસ્માત અંગે તપાસ કરતાં બ્રહ્મલાલ લજ્જારામ શર્મા (રહે.કરમસદ) નામનો શખ્સ પોલીસ મથકે હાજર થયો હતો અને પોતે બીએમડબલ્યુ કાર નંબર જીજે/23/સીજી/0099 લઇ નડિયાદથી આણંદ તરફ આવતા સમયે રેલીંગ કુદી મહિલા આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની કબુલાત આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે હાલ બ્રહ્મલાલ શર્મા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



