વડોદરા લાલકોર્ટથી પરત ફરતા યુવકને ઓએનજીસી કંપનીના ગેટ પાસે રોક્યા બાદ એક શખ્સે તેને તમે કેમ મારો વીડિયો ઉતારો છો તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેના મિત્રો સાથે મળી પાંચ લોકોએ મારમારી વાયર તેના ગળા પર વિટાળી રોડ પર આવતી બસ તરફ ધક્કો માર્યો હતો. ત્યારબાદ આજે તો તુ બચી ગયો બીજીવાર છોડીશ નહી તેવી ધમકી આપી હતી. જેથી યુવકને બુમાબુમ કરતા પાંચેય જણા સ્થળ પરથી ભાગી ગયા હતા.
શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી નિલકંઠ સોસાયટીમાં રહેતા વિશાલ મુકેશભાઇ પટેલે ફરિયાદ નોંધાવી છે કે તારીખ 25 માર્ચના રોજ રાત્રીના સમયે હુ લાલકોર્ટ ખાતે ચા પીવા માટે ગયો હતો અને ત્યાંથી પરત ફરતા રાત્રીના બે વાગ્યા સુમારે ઓએનજીસી કંપનીના ગેટથી બરોડા ડેરી તરફ આવતા રસ્તા પર સમીર, આસિફ તથા તેમની સાથે અન્ય ત્રણ શખ્સો ઉભા હતા. જેથી આસિફે મને કહ્યું હતું કે તમે મારો વીડિયો ઉતાર્યો છે ત્યારે મે નથી ઉતાર્યો તેવુ કહ્યું હતું.
ત્યારે સમીરે મને માર માર્યો હતો.ત્યારબાદ આસિફે કારમાંથી કબેલા વાયર કાઢીને મારા ગળા પર વિટાળીને રોડ પર આવતી બસ તરફ ધક્કો માર્યો હતો. ત્યારબાદ બંનેએ આજે તો તુ જીવતો બચી ગયો બીજીવાર તમને છોડીશ નહી તેમ ધમકી આપી હતી. જેથી મે બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવતા પાંચેય જણા ભાગી ગયા હતા. મકરપુરા પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
