દેશની રાજધાની દિલ્હીમાં એક સાથે અનેક શાળાઓમાં બોમ્બ મુકવામાં આવ્યા હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો છે. શાળાઓમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ તમામ કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ માટે સ્નિફરડોગની પણ મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પ્રશાસને બુધવારે તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. આ દરમિયાન, જે શાળાઓમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સંબંધિત શાળા પરિસરને સુરક્ષા કોર્ડન હેઠળ લેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની સાથે ફાયર વિભાગને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ મહાલાએ કહ્યું કે, સાવચેતી અને તકેદારીના ભાગરૂપે, તમામ શાળાઓમાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હજુ સુધી ક્યાંય કશું મળ્યું નથી. ઉચ્ચ પોલીસ અધિકારીએ બાળકો અને વાલીઓને ચિંતા ન કરવાની અપીલ કરી છે.મેલમાં તારીખ રેખાનો કોઈ ઉલ્લેખ નથી અને BCC નો ઉલ્લેખ છે, જેનો અર્થ છે કે એક મેઈલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે. દિલ્હી ફાયર વિભાગે ચોંકાવનારી વાત કહી છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 90 થી વધુ શાળાઓમાંથી બોમ્બની ધમકી અથવા શાળાઓમાં બોમ્બની માહિતી અંગેના કોલ આવ્યા છે.
દિલ્હી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ તમામ શાળાઓમાં તપાસ ચાલી રહી છે. સ્નિફરડોગ્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનીટીમો સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે જેથી બોમ્બ અથવા કોઈપણ પ્રકારની વિસ્ફોટક સામગ્રી શોધીને તેને ડિફ્યુઝ કરી શકાય. જણાવી દઈએ કે, દિલ્હીની સાથે નોઈડા અને ગ્રેટરનોઈડાની પ્રખ્યાત શાળાઓમાં પણ બોમ્બ હોવાની માહિતી મળી છે. દ્વારકા ડીપીએસ સ્કૂલ બંધ રાખવામાં આવી છે. સાથે જ નોઈડા ડીપીએસ નોલેજ પાર્ક પણ બાળકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સચદે વાગ્લોબલ સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે.



