સૌરાષ્ટ્રમાં આજે છૂટાછવાયા સ્થળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પાંખા વાદળો ધસી આવ્યા હતા અને રાજકોટ તથા ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં અસહ્ય બફારા વચ્ચે અમી છાંટણા વરસ્યા હતા જ્યારે ગુજરાતમાં એકંદરે આગામી પાંચ દિવસ અકળામણ અનુભવાય તેવું ગરમ ભેજયુક્ત હવામાન રહેવાની અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હીટવેવની ચેતવણી જારી કરાઈ છે. રાજકોટની ધરતીને જાણે કે તીવ્ર તાપથી રક્ષવા કુદરતી વાદળોની છત્રી બંધાઈ હતી.
જેના પગલે બપોરના તાપમાનમાં 3થી 4 સે.નો ઘટાડો થયો હતો અને 37 સે.તાપમાન રહ્યું હતું. પરંતુ ભેજનું પ્રમાણ 20 ટકાથી વધીને 35-40 ટકા સુધી પહોંચી જતા પરસેવે રેબઝેબ કરતો બફારો અનુભવાયો હતો. જોકે આવું આંશિક વાદળિયુ હવામાન હવે રહેવાની સંભાવના નથી કે, નોંધપાત્ર વરસાદી ઝાપટાંની પણ કોઈ આગાહી નથી. બલ્કે, આગામી પાંચ દિવસ સુધી હવામાન એકંદરે સૂર્ય પ્રકાશિત એટલે કે સૂર્યનો તીવ્ર તાપ વરસતો રહેશે અને આવતીકાલ તથા મંગળવારે પોરબંદર, ભાવનગર અને દિવમાં તથા દિવમાં ત્યારબાદ પણ હીટવેવની ચેતવણી જારી કરાઈ છે એટલે કે આ સ્થળે નોર્મલ આ સમયમાં હોય તેના કરતા ઉંચુ તાપમાન રહેશે.




