ટિમ ડેવિડે અત્યંત ઝંઝાવાતી બેટિંગ કરીને માત્ર દસ બોલમાં અણનમ 31 રન ફટકારી દેતાં બુઘવારે અહીં રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રવાસી ઓસ્ટ્રેલિયાનો છ વિકેટે રોમાંચક વિજય થયો હતો. બંને ટીમે જંગી સ્કોર રજૂ કર્યા હતા. જોકે અંતે ન્યૂઝીલેન્ડની મહેનત પર ટિમ ડેવિડ અને મિચેલ માર્શે પાણી ફેરવી દીધું હતું. અહીં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે પણ મજબૂત બેટિંગ કરીને 20 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 215 રનનો માતબર સ્કોર રજૂ કર્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાએ હાર માની ન હતી અને છેલ્લી ઓવરના છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારીને વિજય હાંસલ કર્યો હતો.
મેચ જીતવા માટે 216 રનના કપરા કહી શકાય તેવા ટારગેટ સામે ઓસ્ટ્રેલિયા રમતું હતું કેમ કે હરીફ ટીમ તેના મેદાન પર રમી રહી હતી અને તાજેતરમાં તેણે વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામે સફળતા હાંસલ કરી હતી. જોકે તેના તમામ ખેલાડીએ યોગદાન આપ્યું હતું. ઓપનર ટ્રેવિસ હેડ 15 બોલમાં 24 રન ફટકારવા ઉપરાંત ડેવિડ વોર્નર સાથે ચાર ઓવરમાં 29 રન ઉમેરી ચૂક્યો હતો તો વોર્નરે વધારે આક્રમક બેટિંગ કરી હતી. તેણે 20 બોલમાં ત્રણ સિક્સર સાથે 32 રન ફટકાર્યા હતા. ત્રીજા ક્રમે આવેલો મિચેલ માર્શ સાત સિક્સર સાથે 44 બોલમાં 72 રન ફટકારીને અણનમ રહ્યો હતો.
જોકે ઇનિંગ્સના અંત ભાગમાં તે ટિમ ડેવિડનો સહયોગી બનીને રહી ગયો હતો. જોશ ઇંગ્લિસ અને ગ્લેન મેક્સવેલે પર્યાપ્ત યોગદાન આપ્યું હતું. 17મી ઓવરમાં જોશ ઇંગ્લિસ આઉટ થયો ત્યાં સુધી ન્યૂઝીલેન્ડ મેચ જીતી શકે તેમ હતું. આ તબક્કે ટિમ ડેવિડનો પ્રવેશ થયો હતો. ઓસ્ટ્રેલિયાને ત્રણ ઓવરમાં 44 રન કરવાના હતા. ડેવિડે દસ જ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 31 રન ફટકાર્યા હતા. છેલ્લા બોલે કિવિ ટીમે ચુસ્ત ફિલ્ડિંગ ગોઢવી હતી પરંતુ ડેવિડે ટિમ સાઉથીના મિડલ સ્ટમ્પના લગભગ યોર્કર જેવા બોલને કવર તરફ બાઉન્ડ્રી ફટકારીને ટીમને ટારગેટ સુધી પહોંચાડી દીધી હતી. તેણે પોતાના 31 રનમાંથી 30 રન બાઉન્ડ્રી શોટથી ફટકાર્યા હતા.
