ઈમરાન ખાન અને અવંતિકા મલિક લાંબા સમયથી અલગ રહે છે અને તેમની વચ્ચે વચ્ચે છૂટાછેડા થયા હોવાનું જગજાહેર છે. ઈમરાન અને અવંતિકાએ છૂટાછેડા અંગે ક્યારેય કન્ફર્મેશન આપ્યું ન હતું, પરંતુ વર્ષો બાદ ઈમરાને ખુલાસો કર્યો છે. અવંતિકા સાથે 2019ના વર્ષમાં છૂટાછેડા થયા હોવાનું ઈમરાને સ્વીકાર્યું છે. આ સાથે લેખા વોશિંગ્ટન સાથે રિલેશનશિપમાં હોવાનું પણ જાહેર કર્યું છે. ઈમરાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના અંગત જીવન અંગે વાત કરી હતી. સોશિયલ મીડિયા પર ઘણાં લોકો લેખાને ઘર તોડનારી વ્યક્તિ ગણાવી રહ્યાં છે.
ઈમરાને આ પ્રકારની કોમેન્ટ્સને પૂર્વગ્રહથી ભરેલી ગણાવી હતી. લેખા સાથેની નિકટતા લોકડાઉન દરમિયાન વધી હતી. અવંતિકાથી છૂટા પડ્યાના દોઢ વર્ષ બાદ લેખા સાથે સંબંધો વધ્યા હતા. લેખાના અગાઉના સંબંધો પૂરા થયાંને એક વર્ષ વીત્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ઈમરાન અને અવંતિકાએ 2011ના વર્ષમાં લગ્ન કર્યા હતા. તેમની દીકરીનું નામ ઈમારા છે. 2019માં તેઓ છૂટા પડ્યા હતા, પરંતુ આ અંગે જાહેરમાં વાત કરતા ન હતા. અવંતિકાના માતા વંદનાએ 2019ના વર્ષમાં છૂટાછેડાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા.
ઈમરાન અને અવંતિકા જાહેરમાં આ અંગે કંઈ બોલતા ન હતા. 2020 અને 2021ના વર્ષમાં અવંતિકાએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે અંગત જીવન અંગે અણસાર આપ્યા હતા. જેમાં લગ્ન, છૂટાછેડા અનં સંબંધો અંગે પોસ્ટ શેર કરી હતી. તાજેતરમાં આમિરખાનની દીકરી આયરા ખાનના લગ્નમાં ઈમરાને લેખા સાથે હાજરી આપી હતી. જેના કારણે લેખાને ટ્રોલર્સે નિશાન બનાવી હતી. તાજેતરમાં ઈમરાને આ અંગે ખુલાસો કરી લેખા સાથેના સંબંધો સ્વીકાર્યા છે અને અંગત જીવન અંગેની ચુપકિદી પણ તોડી છે.
