Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રેલવેમાં નોકરીની ખાતરી આપી 22 લાખ રૂપિયાની છેતરપિંડી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

થાણે: રેલવેમાં નોકરીની ખાતરી આપી બાવીસ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી બદલ પોલીસે મહિલા સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.થાણેમાં રહેતા 56 વર્ષના રહેવાસીએ આ મામલે કાપૂરબાવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે દ્રવિડ લક્ષ્મણ વાલિમ્બા (22), કાવેરી નાઈડુ જાધવ (25) અને અભિમન્યુ સિંહ (35) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદ અનુસાર કથિત છેતરપિંડી ઑગસ્ટ, 2024થી મે, 2025 દરમિયાન થઈ હતી. ફોન કૉલથી આરોપીના સંપર્કમાં આવ્યા પછી ફરિયાદી તેના ઘરે મળવા ગયો હતો. આરોપીએ ખાતરી આપી હતી કે ફરિયાદીને ભારતીય રેલવેમાં નોકરી અપાવશે. આ નોકરી માટેના ઉંમરના માપદંડ અનુસાર દસ્તાવેજો પણ તૈયાર કરી આપવાની લાલચ આરોપીએ બતાવી હતી, એવું પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કર્યા પછી આરોપીએ ભારતીય રેલવેના લોગોવાળો બોગસ એપોઈન્ટમેન્ટ લેટર ફરિયાદીને આપ્યો હતો. આરોપીઓના દાવા પર ભરોસો કરી ફરિયાદીએ ઑનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા બાવીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.જોકે બાદમાં ફરિયાદીને રેલવેમાં કોઈ નોકરી મળી નહોતી. વારંવાર સંપર્ક કરવા છતાં આરોપી ઉડાઉ જવાબ આપતા હતા અને રૂપિયા પણ પાછા આપતા નહોતા. પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.