IPL 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 3 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 196 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતે છેલ્લા બોલે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગુજરાતને છેલ્લી ઓવરમાં 15 રન બનાવવાના હતા અને રાશિદ ખાને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી. રાજસ્થાન તરફથી અવેશ ખાન છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો પરંતુ તે તેવટિયા અને રાશિદ ખાનને રોકી શક્યો નહોતો. ગુજરાતની જીતમાં કેપ્ટન શુભમન ગીલનું મહત્વનું યોગદાન હતું. તેણે 44 બોલમાં 72 રન બનાવ્યા હતા.
જો કે, છેલ્લી ઓવરોમાં રાહુલ તેવટિયા અને રાશિદ ખાને અદ્ભુત ફટકાબાજી કરીને ગુજરાતનો વિજય સુનિશ્ચિત કર્યો હતો. તેવટિયાએ 11 બોલમાં 22 રનની ઇનિંગ રમી હતી જ્યારે રાશિદે 11 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી રિયાન પરાગ અને કેપ્ટન સંજુ સેમસને સારી બેટિંગ કરી હતી. રિયાન પરાગે 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસને 38 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. સેમસનના બેટમાંથી 2 સિક્સર સહિત કુલ 9 બાઉન્ડ્રી આવી હતી. ગુજરાતના બોલરોની વાત કરીએ તો રાશિદ ખાને 4 ઓવરમાં માત્ર 18 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
છેલ્લી ઓવરનો રોમાંચ
પ્રથમ બોલ: અવેશ ખાને ફુલ ટોસ ફેંક્યો રાશિદ ખાને બાઉન્ડ્રી ફટકારી.
બીજો બોલ- રાશિદ ખાને લોંગ ઓન એરિયામાં બે રન લીધા.
ત્રીજો બોલ- રાશિદ ખાને ફરી ચોગ્ગો ફટકાર્યો. આ વખતે બોલ વિકેટકીપર સંજુ સેમસન પાસેથી પસાર થયો હતો. રાજસ્થાનનો કેપ્ટન રાશિદના બેટની કિનારીમાંથી આવેલા બોલને રોકી શક્યો ન હતો.
ચોથો બોલ- રાશિદ ખાને અવેશ ખાનના યોર્કર પર રન લીધો.
પાંચમો બોલ- અવેશ ખાનના બોલ પર રાહુલ તેવટિયા બે રન બનાવીને ત્રીજો રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે રનઆઉટ થયો હતો.
છઠ્ઠો બોલ- રાજસ્થાનને છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી અને રાશિદ ખાને ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.
