સનરાઈઝર્સ હૈદરાબાદે આ IPL સિઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગ શૈલી જાળવી રાખીને RCBને બરબાદ કરી દીધું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સોમવાર 15મી એપ્રિલની સાંજે રમાયેલી મેચમાં, હૈદરાબાદે ટ્રેવિસ હેડની ધમાકેદાર સદી અને બાકીના બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ્સના આધારે 287 રનનો રેકોર્ડ સ્કોર બનાવયો હતો. ટ્રેવિસ હેડની શાનદાર સદીએ બધાનું ધ્યાન ખેંચ્યું ત્યારે હેનરિક ક્લાસેન પણ પાછળ ન રહ્યો અને તેણે સિક્સરનો વરસાદ કરીને સિઝનનો સૌથી મોટો સિક્સર ફટકાર્યો. પરંતુ તેની ખુશી લાંબો સમય ટકી ન શકી અને દિનેશ કાર્તિકે આગામી ઈનિંગ્સમાં આ રેકોર્ડ તોડી નાખ્યો. ગત વર્ષે ક્લોસેને બેંગલુરુ સામે 104 રનની જબરદસ્ત ઈનિંગ રમી હતી પરંતુ તેમ છતાં તેની ટીમ હારી ગઈ હતી.
આ વખતે ક્લાસેન સદી ફટકારી શક્યો ન હતો પરંતુ તેણે બીજી શાનદાર ઈનિંગ સાથે ટીમની જીત લગભગ સુનિશ્ચિત કરી હતી. ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ 8.1 ઓવરમાં 108 રન ઉમેર્યા બાદ ક્રિઝ પર આવેલા ક્લોસેને આવતાની સાથે જ સિક્સર મારવાનું શરૂ કરી દીધું હતું. ક્લાસેને આ ઈનિંગમાં કુલ 7 સિક્સર ફટકારી હતી અને આ સિક્સરમાંથી એક સિક્સર સીધી ચિન્નાસ્વામી સ્ટેડિયમની છતને પાર કરી ગઈ હતી. આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલો RCBનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન તેનો શિકાર બન્યો હતો. ફર્ગ્યુસનને આ મેચમાં પહેલા જ ઘણી સિક્સર પડી હતી, તે 17મી ઓવરમાં બોલિંગ કરવા માટે પાછો ફર્યો અને બીજા જ બોલ પર, ક્લાસેને લોંગ ઓન તરફ ઉંચો શોટ રમ્યો.
આ પછી, બોલ કોઈને દેખાતો ન હતો અને સીધો સ્ટેડિયમની છતને પાર કરી ગયો. ક્લાસેનનો આ સિક્સર કુલ 106 મીટરના અંતરે પડ્યો, જે આ સિઝનનો સંયુક્ત સૌથી લાંબો સિક્સર સાબિત થયો. ક્લાસેન પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સના નિકોલસ પુરન અને કોલકાતા નાઈટ રાઈડર્સના વેંકટેશ અય્યરે પણ 106 મીટરની સિક્સર ફટકારી હતી. જો કે, કોઈએ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ક્લાસેનનો આ રેકોર્ડ આ જ મેચમાં તૂટી જશે, પરંતુ થયું અને આ અદ્ભુત પરાક્રમ બેંગલુરુના દિનેશ કાર્તિકે કર્યું. 288 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે બેંગલુરુને ઝડપી બેટિંગ અને ઘણી બાઉન્ડ્રીની જરૂર હતી.
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે ધમાલ શરૂઆત કરી, પરંતુ આ બંનેના આઉટ થયા બાદ ઈનિંગમાં પલટો આવવા લાગ્યો. અહીં દિનેશ કાર્તિક આવ્યો અને થોડા બોલની રાહ જોયા પછી તેણે માત્ર ચોગ્ગા અને છગ્ગાની જ વાત શરૂ કરી. કાર્તિકે એક પછી એક સિક્સ ફટકારી અને પછી 16મી ઓવરમાં ક્લાસેનનો રેકોર્ડ તોડ્યો. કાર્તિકે ટી નટરાજનની ઓવરના પહેલા જ બોલને હૂક કર્યો અને બોલ સીધો જ ડીપ ફાઈન લેગ બાઉન્ડ્રીની બહાર સ્ટેડિયમની છત પર વાગ્યો. આ છગ્ગો 108 મીટર લાંબો સાબિત થયો અને આ રીતે કાર્તિકે ક્લાસેનનો રેકોર્ડ તોડ્યો. કાર્તિકે પણ માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
