EDની ધરપકડ અને કાર્યવાહી સામે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 6 મેના રોજ થશે. સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને ઈડી ની કાર્યવાહી સામેની તેમની અરજી પર નોટિસ જાહેર કરી છે. જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેનનું કહેવું છે કે, તેમની પાર્ટીના પ્રચાર માટે ચૂંટણી દરમિયાન બહાર આવવું જરૂરી છે. હેમંત સોરેન કેસની સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી ધરપકડ સામેની તેમની અરજી પર હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપવા પર વિચાર કરવો જોઈએ. આ કેસની આગામી સુનાવણી 6 મેના રોજ થશે. હકીકતમાં હેમંત સોરેને ધરપકડ બાદ ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી 28 ફેબ્રુઆરીએ સુનાવણી પૂર્ણ કર્યા પછી કાર્યકારી ચીફ જસ્ટિસ એસ ચંદ્રશેખર અને જસ્ટિસ નવનીત કુમારની બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 31 જાન્યુઆરીએ સોરેનની ધરપકડ બાદ સોરેને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે હેમંત સોરેનને પહેલા ઝારખંડ હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.
સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ, જે વિપક્ષી ગઠબંધન ‘INDIA’નો ભાગ છે, તેમનું કહેવું છે કે ભાજપ રાજકીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂની નીતિ સંબંધિત કેસમાં ધરપકડ અને હેમંત સોરેનની ધરપકડ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આનો જવાબ જનતા લોકસભાની ચૂંટણીમાં આપશે . તેના પર ભાજપે વળતો જવાબ આપ્યો છે કે, તપાસ એજન્સી પોતાનું કામ કરી રહી છે અને જે ખોટું કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
