T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. બીસીસીઆઈએ લાંબી મીટિંગ બાદ ટીમની જાહેરાત કરી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરની અધ્યક્ષતા વાળી નેશનલ સિલેક્શન કમેટીએ અનેક ખેલાડીને લઈ ચર્ચા કરી હતી. અને હવે અંતે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં હાર્દિક પંડ્યાને પણ મોટી જવાબદારી મળી છે. ટી 20 વર્લ્ડકપમાં ટીમની વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે, ટીમમાં વિકેટકીપરના રુપમાં રિષભ પંત અને સંજુ સેમનને સ્થાન મળ્યું છે. ટીમમાં કે,એલ રાહુલને સ્થાન મળ્યું નથી, શુભમન ગિલ, રિંકુ સિંહને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.
T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન)યશસ્વી જ્યસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર) શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન) રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર) મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાનને ટીમ ઈન્ડિયાના રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
જો આપણે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની વાત કરીએ તો ટીમમાં 5 બેટ્સમેન છે. 2 વિકેટ કીપર રિષભ પંત અને સંજુ સેમસન છે. તેમજ ટીમમાં 3 ઓલરાઉન્ડર છે એટલે કે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક ટી 20 વર્લ્ડકપમાં વાઈસ કેપ્ટનની પણ જવાબદારી નિભાવશે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ને પણ સ્થાન મળ્યું છે. એટલે કહી શકાય કે, ટી 20 વર્લ્ડકપ માટે ઓલરાઉન્ડરમાં ત્રણેય ગુજરાતી છે. આપણે સ્પિનરની વાત કરીએ તો 2 સ્પિનર છે અને 3 ફાસ્ટ બોલર છે.
