ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાના હેલિકોપ્ટર ક્રેશ બાદ સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન તેમના હેલિકોપ્ટરનો કાટમાળ એક ટેકરી પરથી મળી આવ્યો હતો. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા જેના પગલે પાંચ દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લા હિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં કરુણ મોતનીપજ્યું હતું.
ઈરાનના રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત, રાયસી આગામી સુપ્રીમ લીડર બનવાની રેસમાં પણ હતા. રાયસી 2021માં ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા પહેલા પણ ઘણા મહત્વના પદો પર હતા. આ દરમિયાન તેની સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા હતા. ખાસ કરીને, તેમના પર ચળવળો અને વિરોધીઓને નિર્દયતાથી દબાવવાનો આરોપ હતો. રાયસી ઘરેલું રાજકારણમાં કડક વલણ અપનાવવા માટે જાણીતા હતા. હસનરુહાની બાદ રાયસીએ ઈરાનના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. રુહાનીને મધ્યમ નેતા તરીકે જોવામાં આવતા હતા પરંતુ રાયસી તેમનાથી વિપરીત હતા.
