ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના પુત્ર અને ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલાની ગાડી સાથે મોટો અકસ્માત થયો હતો. તેમના કાફલાની ફોર્ચ્યુનર ગાડીએ3 બાળકોને કચડી નાખ્યા હતો જેમાં બે બાળકોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. ભાજપ નેતા નો અકસ્માત ઉત્તર પ્રદેશના ગોંડામાં કર્નલગંજ હુજુરપુર રોડ પર બૈકુંઠ ડિગ્રી કોલેજ પાસે થયો હતો. ઘટના સ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ છે અને ગ્રામજનોએ ફોર્ચ્યુનર કારનો કબજો લઈ લીધો છે. મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બાળકોના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે.
આ અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે તંગદિલી સર્જાઈ હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ન લેવા પર મક્કમ રહેતા લોકો સાથે પોલીસ પ્રશાસન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર, ટ્રાફિક જામ અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભારે જહેમત અને સમજાવટ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જે બાદ સ્થળ પર પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ મોટી સંખ્યામાં પહોંચી હતી અને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર, વાહનોનો કાફલો જેમાં કૈસરગંજ ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહ હાજર હતા તે સામે આવી રહ્યો છે.
ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. લોકોની આક્રમક સ્થિતિ જોઈને અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ, અધિક પોલીસ અધિક્ષક, પોલીસ એરિયા ઓફિસર, નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ, તહસીલદાર અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ગુસ્સે થયેલા લોકોને કોઈક રીતે શાંત પાડ્યા. આ બનાવની ફરિયાદ મૃતકના સગા પૈકીની મહિલા ચંદા બેગમે પોલીસ સ્ટેશનમાં આપી છે. જેમાં ફોર્ચ્યુનર વાહન નંબર UP 32 HW 1800 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જેમાં એવું કહેવાય છે કે ડ્રાઈવરે બેદરકારી પૂર્વક વાહન ચલાવતા રોડની જમણી બાજુએ આવીને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઈન્સપેક્ટર ઈન્ચાર્જ નિર્ભય નારાયણ સિંહનું કહેવું છે કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવી રહ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અકસ્માત કરનાર વાહન કબજે લેવામાં આવ્યું છે. એસપી વિનીત જયસ્વાલે કહ્યું કે લોકોને સમજાવ્યા બાદ તેમને શાંત કરવામાં આવ્યા છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
