જૂનાગઢ કૃષિ યુનિવસટીમાં આવેલી બાયો એનર્જી વિભાગની લેબોરેટરીમાં એક દીપડાનું બચ્ચું ઘુસી ગયું હતું. લેબમાં દીપડાનું બચ્ચું જોવા મળતા દોડધામ થઈ ગઈ હતી. આ અંગે જાણ થતાં વનવિભાગના સ્ટાફે સ્થળ પર જઈ દીપડાના બચ્ચાને બેભાન કરી સક્કરબાગ ખાતે મોકલી દીધું હતું. ત્યારબાદ સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો. આ લેબોરેટરીની પાછળ ખેતર છે અને લેબની પાછળના ભાગે આવેલું શટર થોડું ખુલ્લું રહે છે.આથી આ બચ્ચું ત્યાંથી ઘુસી ગયાની શંકા છે.
આ અંગેની વધુ વિગત મુજબ છેલ્લા થોડા સમયથી મધુરમ પાછળના વિસ્તારમાં દીપડો આંટા મારતા જોવા મળ્યો હતો. ત્યાં સવારે આઠેક વાગ્યે જૂનાગઢ કૃષિ યુનિ.કેમ્પસમાં આવેલી બાયો એનર્જી લેબોરેટરી ખોલવામાં આવી હતી અને સાડા આઠેક વાગ્યે વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે તેઓને લેબોરેટરીમાં તેઓએ દીપડાનું બચ્ચું જોવા મળ્યું હતું. વિધાર્થીઓએ સમય સુચકતા વાપરી બહાર નીકળી જઇ લેબોરેટરીનો દરવાજો બંધ કરી દીધો હતો.
દીપડાનું બચ્ચું લેબોરેટરીમાં જોવા મળતા વિધાર્થીઓમાં દોડધામ થઈ ગઈ હતી. ત્યારબાદ દીપડાના બચ્ચાએ લેબોરેટરીમાં આંટા મારી છુપાવા માટેનો પ્રયાસ કર્યો હતો. વિધાર્થીઓએ આ અંગે કૃષિ યુનિ.ના અધ્યાપકને જાણ કરતા તેઓએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના સ્ટાફે આવી બારીમાંથી દીપડાના બચ્ચાનું લોકેશન મેળવી તેને બેભાન કર્યું હતું.બાદમાં આ બચ્ચાને સક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યુ હતુ. કૃષિ યુનિ.ના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ લેબોરેટરીની પાછળ ખેતર આવેલું છે. લેબોરેટરીની પાછળના ભાગે આવેલા શટરનો ભાગ થોડો ઉંચો રહે છે.
આથી વહેલી સવારે અથવા રાત્રીના આ બચ્ચું લેબોરેટરીમાં ઘુસી ગયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. દીપડાનું બચ્ચું એકલું મળી આવ્યું છે. આથી આ વિસ્તારમાં તેનો પરિવાર હોવાની શક્યતા છે. ત્યારે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મૂકે એવી માંગ ઉઠી છે. કૃષિ યુનિ.માં અગાઉ પણ દીપડા ઘુસી ગયા હતા.આ બચ્ચું પણ યુનિ.ની પાછળના વિસ્તારમાંથી ચડી આવ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આમ દીપડાનું બચ્ચું પકડાઈ જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.




