નવસારીનાં નેશનલ હાઈવે ઉપર મટવાડ ગામ પાસેથી રૂપિયા 1.14 લાખનાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની વરના કાર નંબર GJ/05/CJ/5066માં વિદેશી દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફથી નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી આવે છે અને સુરત તરફ જનાર છે.
જે થોડીક વારમાં હાઈવે રોડ ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મટવાડ ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા તેમાંથી 1.14 લાખની વિદેશી દારૂના 912 નંગ પાઉચ મળી આવતા ભરૂચ રહેતા શાહરૂખ ગુલામરસુલ મીરાસી, ભરૂચ સે રહેતા મોહમ્મદ જુબેર અબ્દુલ રશીદ મલેક અને ભરૂચ રહેતા ગુલામસાકીર ગુલામ નબી શેખને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ત્રણેય આરોપીની પુછપરછ કરતા અંકલેશ્વર કસ્બાતીવાડમાં રહેતા સજ્જુ પઠાણે વિદેશી દારૂ ભરાવી આપ્યો હતો અને વિદેશી દારૂ ભરેલી કારનું એક સફેદ રંગની અર્ટીગા કારમાં પાયલોટીંગ કરતો હોવાનું કબુલતા પોલીસે સજ્જુ પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન આરોપી મોહમ્મદ જુબેર અબ્દુલ રશીદ મલેકને ગભરામણ થતા તેમને બ્લડ પ્રેશરની બીમારી હોવાનું જણાવતા પોલીસે તેમને તાત્કાલિક સારવાર અર્થે ખારેલ સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2 લાખની કાર અને 12 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 3.26 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
