ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગ અને વન વિભાગ દ્વારા આયોજિત ‘એક બાળ, એક વૃક્ષ’ અને ‘એક પેડ, મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૪૪ હજારથી વઘુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં આહવા તાલુકાની ૨૧૨ શાળાઓના કુલ વિદ્યાર્થીઓ દિઠ ૨૫ હજાર ૪૮૭ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.
તો વઘઇ તાલુકાની ૧૩૫ શાળાઓના કુલ વિદ્યાર્થીઓ દિઠ ૭ હજાર ૬૮૩ વૃક્ષોનું વાવેતર તેમજ સુબિર તાલુકાની ૧૪૪ શાળાઓના કુલ વિદ્યાર્થીઓ દિઠ ૧૨ હજાર ૬૯૯ મળીને કુલ ૪૫ હજાર ૮૬૯ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના વન વિભાગના સહયોગથી જિલ્લાની દરેક શાળાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ‘મિયાં વાંકી’ પધ્ધતી મુજબ વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું છે.
આ પદ્ધતિમાં ઓછી જમીનમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા શિક્ષણ અને વન વિભાગ દ્વારા જૂન મહિનાથી લઈ અત્યાર સુધીમાં ૪૪ હજારથી વઘુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં આ વૃક્ષો જંગલમાં પરિવર્તિત થઇ, ડાંગના જંગલોમાં વધારો કરવા સાથે પ્રજાજનોને શુદ્ધ ઓક્સિજન પણ પૂરો પાડશે.




