વડોદરામાં બુધવારે બપોર બાદ મનમૂકીને પડેલા વરસાદના પગલે આખા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયુ હતુ. વરસાદી પૂરે આખા શહેરને બાનમાં લીધુ હતુ. વરસાદી ભરાયેલા પાણી મોડી રાતથી ધીમે ધીમે ઉતરવા માંડ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવા સરોવરની સપાટી ૨૧૨.૩૩ સુધી પહોચી ગઇ હતી. ૨૧૧ ફૂટના લેવલ રાખવું આવશ્યક હોવાથી તેના ૬૨ દરવાજા ખોલીને પાણી વિશ્વામિત્રીમાં છોડવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. તેની સાથે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં એકધારો વધારો શરૂ થતાં ગુરુવારે બપોર બાદ તો ભયજનક વટાવીને નદીનું જળસ્તર ૩૦ ફૂટ નજીક પહોચી ગયુ હતુ. જેના પગલે નદીના કેટલાક કાંઠા અને નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા હતા, પરંતુ પૂરના પાણી પ્રવેશવાના શરૂ થઇ ગયા હતા.
વડોદરાના સયાજીબાગ પાસે કાલાઘોડા નજીકનો બ્રિજ તથા કારેલીબાગ ખાતે આવેલા મંગલપાંડે રોડ પરનો બ્રીજ સાંજથી અવરજવર માટે બંધ કરાવ્યો હતો. અલકાપુરી ગરનાળામાં પણ પૂરના પાણી ફરીથી પ્રવેશતાં નાળું પણ બંધ કરાવવામાં આવ્યુ હતુ. આમ તો ગઇકાલે રાતથી પૂરના પાણીમાં ફસાયેલા અનેક પરિવારોનો રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વડોદરામાં બુધવારે આખો દિવસ ભારે વરસાદ થયો હતો, મોડી સાંજ સુધી ચાલુ રહેલો કુલ વરસાદ ૧૩ ઇંચથી વધુ નોંધાયો હતો. જેના કારણે મોટાભાગનો શહેરી વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો. ગઇકાલે આખી રાત સુધી શહેરના અનેક વિસ્તારમાં હાલત કફોડી થએલી હતી. વરસાદી ભરાયેલા પાણી ગુરૂવારે વહેલી સવારથી ઓસરવા માંડ્યા હતા. જોકે બીજી બાજુ વિશ્વામિત્રી નદીની સપાટી ૩૦ ફૂટ નજીક પહોંચી ગઈ હતી.
વિશ્વામિત્રી નદીના શરૂ થયેલા પૂરના પાણી પણ પૂન: કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર આવેલા કાલાઘોડા બ્રિજ, કારેલીબાગ વિસ્તારના મંગલપાંડે બ્રિજ પર ટ્રાફિકની અવરજવર કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નદી કાંઠાની વસાહતના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રીને જોડતી જામ્બુઆ તથા ઢાઢર નદી પણ બે કાંઠે શરૂ થતાં તેની આસપાસના ગામો પણ સંપર્ક વિહોણા થઇ ગયા હતા. જામ્બુઆ ગામ પાસેનો બ્રિજ પણ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. વડોદરાના છેવાડે આવેલા વડસર-કલાલી ગામ નજીકથી વિશ્વામિત્રી નદી પસાર થતી હોય, ત્યારે નદીની સપાટીમાં વધારો થતાં કલાલી ગામમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો રસ્તા પર તંબુ બાંધી રહેવા મજબૂર બન્યા હતા.
સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભટ્ટ વિસ્તાર અને તેની આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં હતા. કારેલીબાગ વિસ્તારમાં સિદ્ધાર્થ બંગલોઝ પાસે એક દિવાલ ધરાશયી થતાં એક તબક્કે તો લોગોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અનેક જગ્યાઓ પર વરસાદના ભરાયેલા પાણી ઓસર્યા બાદ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કેટલીક જગ્યાઓ પર વાહન ખોટકાયા હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં જેસીબી મારફતે વાહન હટાવીને રસ્તો ખુલ્લો કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. આ ઘટનાને પગલે રસ્તાના કામમાં થયેલી ગોબાચારી લોકો સમક્ષ ખુલ્લી પડી જવા પામી છે.
આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ અને તેમની ટીમે મુલાકાત લીધી હતી. નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં તાલુકા તંત્ર વાહકો દ્વારા લેવામાં આવ્યા છે. નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા ૪૯ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં ૧૯ પુરુષ,૧૫ મહિલા,૧૪ બાળકો અને એક નાના બાળક સહિત કુલ ૪૯ લોકોનો સમાવેશ થાય છે. તેમજ સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં ફસાયેલા ૧૦ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા. વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો મોડી રાત્રે રસ્તા પર દેખા દીધી હતી. જેમાં ફતેગંજ સ્થિત નરહરિ રોડ પર અને જામ્બુવા ગામમાં આવેલા બ્રિજ પર ઢાઢર નદીના પાણી ફરી વળતા મગર રોડ પર આવી પહોંચ્યો હતો. કાંઠા વિસ્તારમાં અનેક લોકો પૂર તથા મગરના ડરથી આખી રાત ફફડતાં બેસી રહ્યા હતા. મોડી રાત્રે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી નરહરી હોસ્પિટલ નજીક મગરનું બચ્ચુ રસ્તા પર જોવા મળ્યું હતું. એકાએક મગર નિકળતા સ્થાનિકોમાં ભય પ્રસર્યો હતો. તો બીજી તરફ મગરને જોવા લોકોમાં ભારે પડાપડી હતી. બાદમાં મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આમ, વરસાદ સાથે હવે મગર બહાર નિકળવાની ઘટનાઓની પણ શરૂઆત થઇ ગઇ છે.



