મહેસાણા જિલ્લામાં દસ દિવસના વિરામ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ સોમવારે વહેલી સવારથી મનમૂકીને વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારથી જ મહેસાણા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. જોકે સોમવારે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટીંગ કરતાં મહેસાણા જિલ્લામાં જળતરબોળની સ્થિતી સર્જી હતી.
મહેસાણા શહેરમાં ખાબકેલા સાડા પાંચ ઈંચથી વધુના વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પાડી હતી. ભમ્મરીયાળાનુ, ગોપીનાળુ, રામોસણા રેલવે અંડરપાસ, માલગોડાઉન અર્બન બેંક રોડ, મોઢેરા રોડ અને કરોડોના ખર્ચે નિર્માણ પામેલા મોઢેરા ચોકડીના ફોરલેન અંડરપાસમાં ઢીંચણ સમાન પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરંભાયો હતો. જયારે અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. મહેસાણા જિલ્લામાં દસેક દિવસથી મેઘરાજાએ રિસામણા લીધા હોય તેમ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાની લહેર ફેલાઈ હતી. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે મોડી રાતથી એકાએક વાતાવરમાં જોરદાર પલટો આવ્યો હતો.
જ્યારે સોમવારે વહેલી પરોઢથી આકાશે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહ્યા હતા અને ધીમીધારે સર્વત્ર વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસભર વિઝિબિલીટીમાં ઘટાડો રહેતાં હાઈવે તેમજ શહેરી વિસ્તારોમાં દોડતા દરેક વાહનને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. દરમિયાન એકાએક મેઘરાજાએ જિલ્લાભરમાં તોફાની બેટીંગ કરતાં દસ તાલુકાને જળતરબોળ કરી મુક્યા હતા. સૌથી વધુ વિસનગર તાલુકામાં 6 ઈંચ, મહેસાણા સાડા પાંચ, વિજાપુર પાંચ, વડનગર 3, જોટાણા 4, ઊંઝા 3 અને બેચરાજીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત, સતલાસણા તાલુકામાં 44 મીમી, ખેરાલુ 41 મીમી અને કડી તાલુકામાં 29 મીમી વરસાદ નોંધાયો હતો.
મહેસાણા શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા દર ચોમાસા અગાઉ કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરી જાણે કાગળ ઉપર જ રહી ગઈ હોય તેવી દૂર્દશા સર્જાઈ હતી. ગોપીનાળા અને ભમ્મરીયાનાળામાં કેડ સમાન પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેના લીધે શહેરના બે વિસ્તારોને જોડતા એકમાત્ર ડો.બાબાસાહેબ આંબેડકર બ્રીજ ઉપર વાહનો ડાયવર્ટ થતાં વારંવાર ચક્કાજામ થતો હતો. જયારે હાઈવે પર મોઢેરા સર્કલે કરોડોના ખર્ચે બનાવાયેલા ફોરલેન અંડરપાસમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં સ્વીમીંગ પુલ બની ગયો હતો અને અહીંના બંને તરફ બેરીકેટ મુકીને વાહનોની અવરજવર બંધ કરાવાઈ હતી.
વળી, રાતદિવસ વાહન વ્યવહારથી ધમધમતા મોઢેરા રોડ તેમજઆસપાસના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં રામોસણા રેલવે અંડરપાસ, રાજકમલથી અર્બન બેંક રોડ, ટી.જે.હાઈસ્કૂલ વિસ્તાર તેમજ કેટલીક સોસાયટી સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. પાટણથી ગોઝારિયા સુધીના નિર્માણાધિન ફોરલેન હાઈવે પ્રોજેકટ અન્વયે મહેસાણા શહેરના પાલાવાસણા સર્કલ ઉપર ઓવરબ્રીજની કામગીરી થઈ રહી છે. જોકે વાહન અવરજવર માટે તેની બન્ને તરફ સર્વિસ રોડની કામગીરી યોગ્ય રીતે કરાઈ ન હોવાથી શરૂઆતથી જ એજન્સી સામે સવાલો ઉભા થયા હતા.
દરમિયાન ચોમાસામાં જનપથ હોટલ આગળ પાણીનો નિકાલ કરાયો ન હોવાથી વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. સોમવારે પણ આ સર્વિસ રોડ પર ચક્કાજામ થતાં પાલાવાસણાથી ખારી નદીના બ્રીજ સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. મહેસાણા શહેરમાં આવેલા મહત્વના મોઢેરા રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં જાણે બેટમાં પરિવર્તીત થઈ ગયો હતો. રોડ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના પાણી ઘુસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે આ રોડ પરથી પસાર થતાં સંખ્યાબંધ વાહનોમાં પાણી ઘુસતા યાંત્રિક ખામી સર્જાઈને ખોટકાયા હતા.
મહેસાણા શહેરના હાઈવે પર મોઢેરા સર્કલ ઉપર કરોડોના ખર્ચે નિર્માણ પામેલા અંદાજીત એક કિલોમીટર લાંબા ફોરલેન અંડરપાસમાં કેડ સમાન પાણી ભરાઈ જતાં લોકોને સ્વીમીંગ પુલ જેવો અનુભવ થયો હતો. સતત ભરાઈ રહેલા વરસાદી પાણીને કારણે કલાકો સુધી તંત્ર દ્વારા બેરીકેટ મુકીને બન્ને તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. મહેસાણા શહેરમાં સોમવારે પડેલા સાડા પાંચ ઈંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ગોપીનાળામાં એક સ્કૂલ બસ ખોટવાતા અંદરથી સ્થાનિક લોકોએ 30 જેટલા બાળકોને રેસ્કયુ ક રીને સલામત સ્થળે ખસેડયા હતા.જયારે ભમ્મરીયા નાળામાં ફસાયેલા એક ટ્રેકટર પરથી ૭ વિદ્યાર્થીનીઓને પાલિકાની ફાયરની ટીમે હેમખેમ બહાર કાઢી હતી.
મહેસાણા શહેરમાં મેઘરાજાની તોફાની બેટીંગને પગલે ઠેરઠેર વરસાદના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં મોઢેરા ચોકડીથી તોરણવાળી માતાનો ચોક તરફ જતા રોડ ઉપર આવેલા ભમ્મરીયાનાળામાં કેડ સમાન ભરાયેલા વરસાદી પાણીમાં એકાએક વિદ્યાર્થીઓ ભરેલી એક સ્કૂલ બસ ખોટવાઈ ગઈ હતી. જેની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને માનસાંકળ બનાવીને સ્કૂલવાનમાં બેઠેલા 30 જેટલા બાળકોને સહિસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેવીજ રીતે ૭ જેટલી છાત્રાઓને બેસાડીને જઈ રહેલ એક ટ્રેકટર શહેરના ગોપીનાળામાં ભરાયેલા કેડ સમાન પાણીમાં ફસાયું હતું. જેની જાણ થતાં મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ટ્રેકટર પરથી આ વિદ્યાર્થીનીઓને રેસ્કયુ કરીને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી.
