Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માંડવીના વાંકલા ગામના પ્રગતિશીલ આદિવાસી મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. જોકે ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં મહિલાઓ પોતાના ભાઈ, પિતા કે પતિને મદદરૂપ બનતી હોય છે. પણ જાતે ખેતી અને તેમાં પણ પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય એટલી હશે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના અંજુબેન નરેશભાઇ ચૌધરી આવી જ એક આદિવાસી મહિલા ખેડૂત છે, જે છેલ્લા ચાર વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. તેમણે આ વર્ષે ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટીંડોરાનું વાવેતર કરી મહિને રૂ.30 હજારની આવક રળી રહ્યા છે.

વાંકલા ગામના ટેકરી ફળિયામાં રહેતા આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન નરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,”પહેલાં અમે પરંપરાગત ખેતી કરતા હતા, પણ જ્યારથી મેં ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં આકર્ષણ વધ્યું. પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી અને અભ્યાસ કર્યો, ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું. જેમાં સારૂ ઉત્પાદન મળ્યું. પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં કોઈ રોગ આવ્યો ન હતો. જેથી ઉત્સાહ પણ વધ્યો. બીજા વર્ષે પણ વેલાવાળા શાકભાજી ઉગાડ્યા. હાલમાં ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટીંડોરા, રીંગણના પાકનું વાવેતર કર્યું છે, જેનાથી વાર્ષિક રૂ.૩.૬૦ લાખની આવક પ્રાપ્ત થઇ રહી છે. જેનાથી ઘરપરિવારનું ગુજરાન સરળતાથી કરી રહી છું. આવકનો એક ભાગ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા પર પણ કરૂ છું.

ધો.૯ પાસ એવા શિક્ષિત અને કોઠાસૂઝ ધરાવતા અંજુબેને વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક એટલે મૂળ પ્રાકૃતિક ખેતી જ કરવી એવું પ્રારંભથી જ નિશ્ચિત કર્યું હતું. ખેતરમાં જાતે કામ કરવાનું, જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. ઘરે ગાયના છાણમાંથી ખાતર બનાવીએ અને ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. હવે ધીમે ધીમે ખેતીની જમીન પણ વધારીએ છીએ. પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. ભાવ પણ વધારે મળે છે, જેથી નુકશાન જતું નથી. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની પણ બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.

આદિવાસી મહિલાઓ માટે પ્રેરણારૂપ અંજુબેન કહે છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજી બજારમાં વેચવા જવાની પણ જરૂર પડતી નથી. સગાસંબંધી અને આસપાસના લોકો આ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓ મારી પાસે ખરીદી જાય છે. સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા તેઓ કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. આ મદદ ખૂબ ઉપયોગી બની છે. પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન ચૌધરી પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!