મેડિકલ સર્વિસ (સેના)ના ડાયરેક્ટર જનરલનું પદ લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર તારીખ 1 ઓગસ્ટથી સંભાળશે. આ પ્રતિષ્ઠિત પદ પર નિમણૂક થનારા તેઓ પહેલા મહિલા હશે. આ પહેલા તેઓ એર માર્શલના પદ પર પ્રમોશન બાદ હોસ્પિટલ સેવા (સશસ્ત્ર દળ)ના ડાયરેક્ટર જનરલનું પદ સંભાળનાર પ્રથમ મહિલા હતાં. ગયા વર્ષે જ્યારે સાધના સક્સેના નાયરે હોસ્પિટલ સેવા (સશસ્ત્ર દળ)ના ડાયરેક્ટર જનરલનું પદ સંભાળ્યું હતું, જ્યારે વાયુસેનાના અધિકારીઓએ કહ્યું હતું, ‘ભારતીય વાયુસેનાના અધિકારી એર માર્શલ સાધના સક્સેના નાયર પ્રભાવી રીતે બીજા મહિલા અધિકારી છે, જેમણે સમગ્ર સેવાકાળમાં વાયુસેનામાં અલગ-અલગ પદ પર સેવાઓ આપ્યા બાદ એર માર્શલના પદ સુધી પહોંચ્યા.
પદભાર ગ્રહણ કરતી વખતે વાયુસેના પ્રમુખ વી.આર.ચૌધરી પણ હાજર રહ્યાં. લેફ્ટનન્ટ જનરલ સાધના નાયરે પોતાના સ્કુલનું શિક્ષણ સેન્ટ મેરી કોન્વેન્ટ, પ્રયાગરાજથી શરૂ કર્યું અને લોરેટો કોન્વેન્ટ, લખનૌથી પૂરું કર્યું. આ દરમિયાન તેઓ તેજપુર, ગોરખપુર, કાનપુર અને ચંદીગઢના સ્કુલોમાં ગયા. તેમણે એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક રેકોર્ડ્સ સાથે પૂણેના સશસ્ત્ર દળ મેડિકલ કોલેજથી સ્નાતકની ડિગ્રી મેળવી અને ડિસેમ્બર 1985માં આર્મી મેડિકલ કોરમાં નિમણૂક થઈ. સાધના નાયરની પાસે ફેમિલી મેડિસિનમાં અનુસ્નાતકની ડિગ્રી છે.
તેમણે એઈમ્સ, નવી દિલ્હીમાં મેડિકલ ઇન્ફોર્મેટિક્સમાં બે વર્ષનો તાલીમ કાર્યક્રમ પણ પૂર્ણ કર્યો. લેફ્ટનન્ટ જનરલ સાધનાએ વિદેશમાં સીબીઆરએન (રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ) યુદ્ધ અને લશ્કરી તબીબી નીતિશાસ્ત્રમાં તાલીમ લીધી. તેઓ વેસ્ટર્ન એર કમાન્ડ અને તાલીમ કમાન્ડના પ્રથમ અને એકમાત્ર મહિલા મુખ્ય તબીબી અધિકારી હતાં. લેફ્ટનન્ટ જનરલ સાધનાને વિશિષ્ટ સેવા મેડલથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેમને વાયુ સેના પ્રમુખ અને એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફથી પણ પ્રશંસા મળી છે.




