તજજ્ઞા તબીબી પ્રમાણપત્રને અવગણીને મૃત્તક વીમાદારની બિમારી આલ્કોહોલના કારણે થઈ હોવાનું ખોટું અનુમાન કરી બે ક્લેઈમ નકારનાર વીમા કંપનીની ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત બંને ક્લેઈમની કુલ રકમ રૂ.2.64 લાખ વીમાદારના વારસોને ચુકવવા હુકમ કર્યો છે.
સુરતના રહીશ પંકજભાઈ વૈધ વર્ષ-1999થી ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીનો મેડી ક્લેઈમ વર્ષો વર્ષ રિન્યુ કરાવતા હતા.જે પોલીસીની 19માં વર્ષે ઓગષ્ટ-2018માં તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં એકથીવધુવાર દાખલ થઇ સારવાર લીધી હતી. પરંતુ તા.3-10-2018ના રોજ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ બાદ પંકજભાઈનું બીજા દિવસે નિધન થયું હતુ. અલબત્ત બંને વખતે તબીબી સારવારનો ખર્ચ રૂ.57 હજાર તથા 2.06 લાખ મળીને કુલ રૂ.2.64 લાખ થતા પુત્ર ચિરાયુ વૈદ્યએ વીમા કંપનીને ક્લેઇમ કર્યો હતો. પણ બિમારી આલ્કોહોલના કારણે થયાનું માનીને પોલીસી શરતના ભંગના નામે બંને ક્લેઈમ નકારી કાઢ્તા ઈશાન શ્રેયસભાઈ દેસાઈ તથા પ્રાચી અર્પિત દેસાઈ મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. સુનાવણીમાં જણાવ્યું હતું કે લીવરનું સીરોસીસ ઘણાં કારણોસર થઈ શકે છે.વીમાદારને થયેલી બિમારી નોન આલ્કોહોલિક ફેટ્ટી લીવર ડીસીસ હતી.જે અંગે વીમાદારની સારવાર કરનાર ત્રણ તજજ્ઞા તબીબોના પ્રમાણપત્ર રજુ કરવા છતાં વીમા કંપનીએ તેમને અવગણીને ખોટા અનુમાનના આધારે ક્લેઈમ નકાર્યો છે.




