ત્યક્તા પરણીતાએ નવસારીવાસી પતિ પાસેથી ચડત ભરણપોષણની રકમ વસુલ અપાવવા કરેલી રીકવરી અરજીના પગલે પતિએ ભરણપોષણના નાણાં ચુકવવા ઈન્કાર કરતાં સુરત ફેમીલી કોર્ટના જજ એ.એસ.દેસાઈએ પતિને ૫૨૫ દિવસની કેદની સજા ફટકારી છે.
શહેરના પુણા ગામમાં રહેતા ફરિયાદી કેયુરીબેનના લગ્ન વર્ષ-2009માં નવસારીના વિનયભાઈ સાથે થયા હતા.જે લગ્નજીવનથી દંપતિને બે સંતાનોનો જન્મ થયો હતો.પરંતુ લગ્નજીવનના ટુંકાગાળામાં પતિ-સાસરીયા દ્વારા દહેજસંબંધી ત્રાસ આપી વર્ષ-2019માં પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુક્યા હતા.જેથી પિયરમાં ઓશિયાળું જીવન જીવતા ત્યક્તા પત્ની કેયુરીબેને પોતાના તથા બંને બાળકોના ભરણપોષણની પતિએ વ્યવસ્થા કરી ન હોઈ પ્રીતીબેન જોશી મારફતે ભરણપોષણ વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ કોર્ટે ત્યક્તા પત્ની તથા બાળકોને માસિક રૂ.7 હજાર ભરણપોષણ તથા અરજી ખર્ચના રૂ.1500 ત્રણ માસમાં ચુકવવા હુકમ કર્યો હતો.પરંતુ પતિ વિનયભાઈએ કુલ રૂ.2.84 લાખમાંથી માત્ર 10હજાર જ ભરણપોષણ જ ચુકવ્યું હતું.જ્યારે બાકીના નાણાં ચુકવવાની કોર્ટમાં લેખિત બાંહેધરી આપી હતી.જો કે પત્નીએ રીકવરી અરજી કરતાં પતિએ ભરણપોષણ ચુકવવા ઈન્કાર કરતાં કોર્ટે પતિને 525 દિવસની કેદની સજા ફટકારી છે.




