સુરત શહેરના અડાજણ પોલીસમાં નોંધાયેલા હત્યાના ગુનાના આરોપીના જામીનના વિરોધમાં મૌખિક ડાઈંગ ડેકલેરેશન હોવા છતાં અડાજણ પોસઈ યાદવે મરનારનું ડાઈંગ ડેકલેરેશન ન લીધું હોવાની હકીકત જણાવી હતી.જે અંગે મુખ્ય જિલ્લા સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોરતાં એડીશ્નલ સેશન્સ કોર્ટે આ મુદ્દે હત્યા જેવા ગંભીર ગુનાના આરોપીના જામીનના વિરોધમાં એફીડેવિટમાં મહત્વની હકીકત છુપાવવા અંગે તપાસ કરનાર અધિકારી અડાજણ પીઆઈને શો કોઝ નોટીસ ઈસ્યુ કરીને સ્પષ્ટતા માંગી હોવાની વિગતો સાંપડી છે.
મળતી માહિતી મુજબ શહેરના અડાજણ ખાતે ગંગાનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી સાવિત્રીબેને ગઈ તા.૨જી માર્ચના રોજ પોતાના પતિ જીતુ કાલીયા પ્રધાન તથા સુનિલ સંજય વસાવા પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવા બદલ આરોપી વિશાલ જગદીશ વસાવા,વિકાશ દિનેશ નાયકા,યશ ઉર્ફે ગોટુ ઉમેશ ભાઈ ઉર્ફે મુકેશ જાદવ વિરુધ્ધ અડાજણ પોલીસમાં ઈપીકો-307,302,324,114 તથા જીપી એકટ-135 મુજબની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં ગંભીર ઈજાના કારણે જીતુ કાલીયા પ્રધાનનું નિધન થતા હત્યાના પ્રયાસ સાથે હત્યાના ગુનાનો ઉમેરો થયો હતો.આ કેસમાં અડાજણ પોલીસે જેલભેગા કરેલા આરોપી વિશાલ વસાવાએ જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં તપાસ અધિકારી અડાજણ પીઆઈ ગોજીયાને બદલે કેસની હકીકતથી અજાણ એવા અડાજણ પોસઈ ડી.એલ.યાદવે એફીડેવિટ રજુ કરવા મોકલી આપ્યા હતા.પરંતુ પોસઈ યાદવે એફીડેવિટના કોલમ-24માં ઈજાગ્રસ્ત તથા મરણજનારે પોતાની પત્ની સમક્ષ ઓરલ ડાઈંગ ડેકલેરેશન આપ્યું હોવા છતાં ઈજા પામનાર બેભાન હોવાથી ડીડી લઈ શકાયું ન હોવાનું જણાવ્યું હતુ.અલબત્ત મરનારનું મૌખિક ડાઈંગ ડેકલેરેશન પણ માન્ય ગણાતું હોવા છતાં પોલીસની એફીડેવિટમાં આ મહત્વની હકીકત છુપાવવામાં આવતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટનું ધ્યાન દોર્યું હતુ.તદુપરાંત તપાસ અધિકારી ગોજીયા સુરતમાં હાજર હોવા છતાં હત્યા જેવા ગંભીર ગુનામાં કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ એફીડેવિટ કરવા હાજર થવાને બદલે જેને હકીકતની જાણકારી ન હોય તે રીતે પોસઈ યાદવને એફીડેવિટ કરવા મોકલ્યા છે.જેમાં મહત્વની હકીકત છુપાવવામાં આવી છે.જેથી ફરિયાદપક્ષના કેસ પર ગંભીર અસર પડતી હોય છે.જેથી ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ન થાય તે માટે તાબા હેઠળના પોલીસ મથકમાં તકેદારી રાખવા જવાબદાર અધિકારી સમક્ષ સુચના આપવા માંગ કરી હતી.જેના પગલે કોર્ટે અડાજણ પીઆઈ ગોજીયાને આ મુદ્દે શો કોઝ પાઠવીને ખુલાશો પુછ્યો હતો.જેથી પીઆઈ ગોજીયાએ કોર્ટ સમક્ષ પોતે અન્ય તાકીદના કામમાં વ્યસ્ત હોઈ શરતચુકથી એફીડેવિટમાં ભુલ થઈ હોવાનું જણાવી સુધારો કરીને ફરીથી રજુ કરી હતી.જોકે આ મુદ્દે જિલ્લા સરકારી વકીલે ગૃહ વિભાગનો પરિપત્ર સાથે સુરત શહેર પોલીસ કમિશ્નર તથા પ્રોસિક્યુશન અધિકારીને આ મુદ્દે લેખિત રજુઆત કરવામાં આવી છે.




