આગામી તારીખ ૧૦ થી ૧૩મી ઓગષ્ટ દરમિયાન રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનાને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે, ડાંગ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતુ કે, જિલ્લાની તમામ સરકારી-ખાનગી મિલકતો, જિલ્લામાં આવેલી ખાનગી ઈમારતો અને વ્યાપારી સંકુલો, શાળાઓ, વ્યક્તિગત ઘરો પર તિરંગો લહેરાશે. ‘હર ઘર તિરંગા’ ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ અવસરમાં સૌ સહભાગી બને તે માટે સૌ નાગરિકોને, અધિકારી/કર્મચારીઓને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો. આગામી તા.૧૦થી ૧૩મી ઓગષ્ટ દરમિયાન જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગ્રામજનોને બહોળી સંખ્યામાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. દરેક નાગરિકો પોતાના ઘરો પર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. આ ઉપરાંત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે નાગરીકો/અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ તિરંગા સાથેના ફોટો સોશિયલ મિડિયાનાં પોસ્ટ કરે તે પ્રકારનું આયોજન કરવા, કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈ તે અંગે સંકલન કરવાની સુચના આપી હતી. શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવા, તિરંગા યાત્રાના રૂટની પસંદગી સહિતની ચર્ચા પણ કરવામાં આવી હતી.




