ભચાઉનાં શિકારપુર અને તેની આસપાસના વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પૂર્વ કચ્છ પોલીસનાં પુરુષ અને મહિલા કર્મચારી સહીત કુલ ૩૮૧ પોલીસ કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શિકારપુર આઉટ પોસ્ટ વિસ્તારમાંથી વિવિધ પ્રકારનાં કુલ ૧૯૦ જેટલા ધારદાર હથિયાર ઝડપી પાડી કબ્જે કર્યા હતા. તેમજ દેશી હાથ બનાવટની બંદૂક, કારતુસ અને બિયર સાથે ૪ શખ્સોની અટક પણ કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર ભચાઉનાં શિકારપુર તેમજ આસપાસનાં વિસ્તારમાં પૂર્વ કચ્છનાં નાયબ પોલીસવડા સાગર સાંબડાની આગેવાનીમાં સાથે ૬ પી. આઈ, ૨૨ પી. એસ. આઈ, ૨૪૫ પુરુષ પોલીસ કર્મચારી, ૫૩ મહિલા પોલીસ કર્મચારી અને ૫૩ જી આર ડી એમ જવાન સહીત કુલ ૩૮૧ પોલીસ દળની અલગ અલગ ટીમો બનાવી રાત્રીનાં ભાગે શિકારપુર, સુરજબારી, જશાપરવાંઢ, ચેરાવાંઢ વગેરે જગ્યાઓમાં નાઈટ કોમ્બીંગ હાથ ધરવામાં આવી હતી.
નાઈટ કોમ્બિંગ દરમિયાન શિકારપુર રહેતા હનીફ ૨સુલ ત્રાયાના કબ્જામાંથી બે હજારની કિંમતની હાથ બનાવટની દેશી બંદૂક મળી આવતા પોલીસે બંદૂક કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તો બીજી બાજુ જશાપરવાંઢના દોસમામદ ઓસમાણ ત્રાયાના કબ્જામાંથી ૧૨ નંગ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. શિકારપુરના ઉમરદીન જુશબ ત્રાયાના કબ્જામાંથી પણ ૩ નંગ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા.
શિકારપુરના રફીક હાજી અલ્લારખા ત્રાયાના કબ્જામાંથી બીયર મળી આવતા ચારેય આરોપી સામે સામખ્યારી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ વિસ્તારમાંથી વિવિધ પ્રકારનાં કુલ ૧૯૦ જેટલા ધારદાર હથિયાર ઝડપી પાડી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરી કડક કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.




