દરેક તહેવારો અને પ્રસંગોને યાદગાર બનાવતી સુરત નવી સિવિલ હોસ્પિટલના આંગણે તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા ઘર ઘર તિરંગા અભિયાન સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. હાથમાં તિરંગા, ફુગ્ગા અને વંદે માતરમના જયઘોષ સાથે મુખ્યમંત્રીના રાજ્યભરમાં યોજાનારા ઘર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપ્યું હતું. સાથે જ આદિવાસીઓના વિકાસની સરાહના કરતાં વિષવ આદિજાતિ દિનનાઈ ઉજવણી કરી હતી. આ પ્રસંગે નર્સિંગ એસો.ના પ્રમુખશ્રી ઇકબાલ કડીવાળાએ ઉત્તરો ઉત્તર થઈ રહેલા આદિજાતિ બંધુઓના વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ શૈક્ષણિક અને આર્થિક યોજનાઓને પગલે આદિજાતિ વિસ્તારના બાળકો હવે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ખુલેલી નવી મેડિકલ અને નર્સિંગ કોલેજો તેમજ તબીબી ક્ષેત્રે અભ્યાસ માટેની યોજનાકીય સહાયને કારણે આદિજાતિના બાળકો સરળતાથી સુપર સ્પે. ડૉક્ટર, નર્સ બનવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારની દીકરીઓને નર્સિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિગ્રીની સાથે અન્ય વિષયક વિદેશ અભ્યાસ માટે પણ સરકારની શૈક્ષણિક સહાય પ્રાપ્ત થતા હવે દીકરીઓ આત્મનિર્ભર બની છે. જે સર્વાંગી વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે સર્જરી વિભાગના જનરલ સર્જન ડૉ.દેવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્તમાન કાળમાં આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક, તબીબી સેવાઓ સહિતની પાયાની જરૂરિયાતોની સાથે ગામે ગામ જનજાગૃતિ વધતાં આદિજાતિ વિસ્તારોનો વિકાસ થયો છે. જેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડે છે. સરકારી યોજનાઓ અને અન્ય સુવિધાઓને કારણે આદિવાસી બાળકોને પણ સમાન તકનો લાભ મળે છે. જે સરવાળે તેમના જીવનધોરણનું સ્તર ઊંચું લાવવામાં મદદરૂપ બને છે.




