નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે વાંસદા-વઘઈ રોડ પરથી ફિનાઈલ અને એસિડની બોટલોની આડમાંથી 7.26 લાખના વિદેશી દારૂ ભરેલી પીકઅપ સાથે એકને ઝડપી પાડયો હતો. જયારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે વાંસદા-વઘઈ રોડ પર ખોડીયાર કાઠીયાવાડી ઢાબા હોટલની સામેથી એક પીકઅપને રોકી તપાસ કરી હતી.
જેમાંથી પોલીસને ફિનાઈલ અને એસિડની બોટલોની આડમાંથી 7.26 લાખના વિદેશી દારૂની 4560 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના પારડી તાલુકાના આમલી ગામે બ્રાહ્મણ ફળીયામાં બાપા સીતારામના મંદિરની પાછળ રહેતા જીજ્ઞેશભાઈ જયંતીભાઈ પટેલને ઝડપી પાડયો હતો. જયારે પોલીસે દમણ તાઈવાડમાં રહેતા જુગલકિશોર, વલસાડના પારડી તાલુકાના આમલી ગામે પટેલ ફળીયામાં રહેતા સાહિલભાઈ અશ્વિનભાઈ પટેલ અને બારડોલી રહેતા સતીષ ઉર્ફે લાલુ કાંતુભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખનો પીકઅપ, 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને એસીડ-ફિનાઈલની બોટલો મળી કુલ્લે 12.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




