રાજ્યના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઉઠતા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતા શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજાઓ પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજ છે.
રાજ્યની તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણાં સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યુ છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને જેમાં એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરાઈ તે પણ પ્રશ્ન છે.
અમદાવાદ ગ્રામ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 8 શિક્ષકો 90 દિવસ કરતા વધુ સમયથી રજા પર છે. જેમાં 7 શિક્ષકો વિદેશ પ્રવાસમાં છે અને એક શિક્ષક મેડિકલ કારણસર રજા પર છે. જ્યારે ગ્રામ્યની સરકારી શાળામાં એક શિક્ષક અને એક વહિવટી કર્મચારી લાંબી રજા પર છે. એક શિક્ષક સામે કાયદાકીય કાર્યવાહી હોવાથી તે શાળામાં ઘણાં દિવસોથી ગેરહાજર છે. જ્યારે એક વહિવટી કર્મચારી બિન અધિકૃત રીતે મંજૂરી વિના લાંબી રજા પર છે. જ્યારે કોર્પોરેશનની શાળામાં પણ એક શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે.



