આણંદના સારસા ગામ પાસે ટ્રકની ટક્કરે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાર વલાસણના વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પતિ અને જમાઈને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ખંભળોજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદના વલાસણ ગામે ઈન્દિરાનગરીમાં રહેતા રંજનબેન રાવજીભાઈ પંચાલના માતા વિમળાબેન ભોગીલાલ પંચાલ (ઉ.વ.૭૯), પિતા ભોગીલાલ પંચાલ અને તેણીના પતિ રાવજીભાઈ દશામાના વ્રતની ઉજવણી માટે સોમવારે સારસા ગયાં હતાં.
તેઓ આણંદ ગણેશ ચોકડીથી રિક્ષામાં બેસી સારસા જઈ રહ્યાં હતાં. ત્યારે સવારે પોણા અગિયાર વાગ્યાના સુમારે સારસા શિવ શક્તિ કાંટા પાસે આણંદ તરફ આવી રહેલી ટ્રકના ચાલકે ઓવરટેક કરવા જતાં રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં વિમળાબેનનું માથામાં ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રાવજીભાઈ અને ભોગીલાલને ઈજાઓ પહોંચી હતી. લાશને સારસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે રંજનબેનની ફરિયાદના આધારે ખંભળોજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




