ખંભાતના ગોલાણા ગામે રખડતા પશુઓ રાતે ખેતરમાં ઘૂસી ખેડૂતોના પાકને નુકસાન કરી રહ્યા હોવાની રજૂઆત તંત્રને ધ્યાને મૂકાઈ હતી. ત્યારે તંત્રએ ૪ દિવસમાં ૧૯૦ જેટલા રખડતા પશુઓને પાંજરે પૂરી વિરમગામ પાંજરાપોળ મોકલી આપ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલ સૂચનાનુસાર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓએ મહિનામાં ત્રણ ગામોની મુલાકાત કરીને ગામ લોકોના પ્રશ્નો સાંભળવાનું નક્કી થયેલું છે.
જે અનુસંધાને તા.૭મી ઓગસ્ટના રોજ પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓએ ખંભાત તાલુકાના ગોલાણા ગામની આકસ્મિક મુલાકાત કરી બેઠક યોજી હતી. જેમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ખંભાતના ગોલાણા ગામમાં રખડતા પશુઓ રાત્રિના સમયે ખેડૂતોના પાકમાં ચરીયાણ કરીને પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. જેથી ગામ લોકોને રાત્રિના સમયે પાકના સરક્ષણ માટે ઉજાગરા કરવા પડે છે. જે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી ચાર દિવસમાં અંદાજિત ૧૮૦ ગાયો તથા ૧૦ આખલા મળીને કુલ ૧૯૦ રખડતા પશુઓને વિરમગામ ખોડા ઢોર પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.



