Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોલક્ત્તામાં રેસિડેન્ટ ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના ઘટના બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતા અંદાજે ૩૦૦થી વધુ ડોકટર્સ હડતાલ પર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોલક્ત્તામાં રેસિડેન્ટ ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના ચકચારી બનાવમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં અંદાજે ૩૦૦થી વધુ ઇન્ટર્ન તથા રેસિડેન્ટ ડોકટર્સે આકસ્મિક રીતે હડતાલ પાડી ઘટનાને વખોડી હતી. ઘટનાના વિરોધમાં આજે ઈન્ડીયન મેડીકલ એસો. ભાવનગરના અંદાજે ૭૦૦થી વધુ ખાનગી પ્રેકટીશનર્સ તબીબોએ પણ સમર્થન આપ્યું હતું. અને એક દિવસ માટે તબીબી સેવાથી અળગાં રહી હડતાલને સમર્થન આપ્યું હતું. આજે તબીબોના વિશાળ સમૂહે શહેરની સર ટી. હોસ્પિટલથી કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી દોષીતોને કડક સજા આપવા માંગ કરી હતી.

બીજી તરફ, આજે આ ઘટનાને લઈ સર ટી. હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ ઈર્મજન્સી સિવાયની તબીબી સેવાઓ બંધ રહેતાં દર્દીઓની હાલત કફોડી બની હતી. બનાવની વિગત એવી છે કે, પશ્ચિમ બંગાળના કોલક્ત્તાની આર.જી. કર મેડીકલ કોલેજની રેસિડેન્ટ મહિલા ડોકટર પર બળાત્કાર અને હત્યાની ચકચારી ઘટના બની હતી. જેના રાષ્ટ્રવ્યાપી ઘેરાં પડઘા પડયા છે. આ ઘટનાના વિરોધમાં પીડિત પરિવારને ન્યાય આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં ઈન્ટર્ન તથા રેસિડેન્ટ ડોકટર્સે વીજળીક હડતાલ પાડી હતી. અને ઘટનાને વખોડતાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

જોકે ઈન્ટર્ન તથા રેસિડેન્ટ ડોકટર્સની બપોર પછીની હડતાલના કારણે સર ટી. હોસ્પિટલમાં તપાસાર્થે આવેલાં દર્દીઓની સંખ્યા નહીંવત હોવાના કારણે તેમને સામાન્યતઃ ઘણી ઓછી તકલીફ વેઠવી પડી હતી. જોકે આ સાથે જ ઈન્ટર્ન-રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશને આ ઘટનાના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરી તબીબી સેવાથી અળગાં રહેવાની જાહેરાત કરી હતી. જેને શનિવાર એક દિવસ માટે ઈન્ડિયન મેડીકલ એસોસિએન-ભાવનગરે પણ સમર્થન જાહેર કર્યું હતું. આજે સવારથી જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-ભાવનગર, ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસિએશન-ભાવનગર, જુનિયર ડોક્ટર્સ એસોસિએશન, મેડીકલ સ્ટુડન્ટ્સ એસોસિએશનના મળી અંદાજે ૫૦૦થી વધુ તબીબો  શહેરની સર ટી. હોસ્પિટલ પટાંગણમાં એકત્રિત થયા હતા અને ઘટનાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

જ્યારે, સવારે ૧૧.૩૦ કલાક આસપાસ તબીબોનો વિશાળ સમૂહે શહેરની સર ટી.હોસ્પીટલથી લઈ કલેકટર કચેરી સુધી મૌન રેલી કરી કલેકટરને આવેદન આપ્યું હતું. જેમાં કોલકાતાની આર.જી. કર મેડીકલ કોલજમાં ફરજ બજાવતા રેસિડન્ટ મહિલા ડોક્ટર પર થયેલ બળાત્કાર અને હત્યાના મામલે નિષ્પક્ષ તપાસ કરીને દોષીને કડકમાં કડક સજા આપવા માંગ કરી હતી. સાથે જ પીડિતના પરિવારને ન્યાય આપવા પણ માંગ કરી હતી. આ તકે, સર ટી. હોસ્પિટલના જુનિયર ડોકટર્સે ન્યાયની માંગ સાથે નોન ઈર્મજન્સી તબીબી સેવાઓમાં અચોક્કસ મુદ્દત સુધી નહીં જોડાવાની જાહેરાત કરી હતી. જેને મેડીકલ સ્ટુન્ડન્ટના વિવિધ એસોસિએશને પણ સમર્થન આપ્યું હતું.

જોકે આ જાહેરાત છતાં સર ટી. હોસ્પિટલની તબીબી સેવાઓ પૂર્વવત રહેશે અને દર્દીઓને તબીબી સેવાઓ પૂર્વવત મળશે તેમ હોસ્પિટલ સૂત્રોએ આશ્વાસન આપતાં જણાવ્યું હતું. જ્યારે ઈન્ડિયન મેડીકલ એસોસિએશન-ભાવનગરના પ્રમુખ ડો.વિપુલ પારેખે પણ જણાવ્યું કે, ઘટનાના વિરોધમાં એસો. સાથે જોડાયેલાં ભાવનગર શહેર અને જિલ્લાના મળી અંદાજે ૭૦૦ ખાનગી, સરકારી તબીબો આજે શનિવાર એક દિવસ પુરતા તબીબી સેવાથી અળગાં રહ્યા હતા. જોકે શહેર જિલ્લાની તમામ હોસ્પિટલમાં માત્ર નોન ઈર્મજન્સી સેવાઓ જ બંધ રહી હોવાનું અને ઈર્મજન્સી સેવાઓ શરૂ રહી હોવાનું જણાવ્યું હતું.

જ્યારે, રજા અને તહેવારો બાદ તબીબી સેવા પૂર્વવત થઈ જશ તેવું તેમણે પણ જણાવ્યું હતું. જ્યારે, આજના એક દિવસ પુરતી તબીબી સેવાઓ બંધ રહેતાં શહેર અને જિલ્લામાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં અવારનવાર માથાકૂટ, મારામારી તેમજ ગાળાગાળી જેવી ઘટનાઓ બને છે ત્યારે અહીંયા પણ સલામતી અને સુરક્ષા માટે તમામ યોગ્ય પગલાઓ લેવામાં આવે તેવી સ્થાનિક પ્રસાશનને રજૂઆત કરવામાં આવી છે અને તેઓ પણ આ બાબતને ધ્યાનમાં લઈ તાત્કાલિક પગલાઓ લે તેવી માંગ કરાઇ છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!