મહુવાના શખ્સે ત્રણેક વર્ષ પૂર્વે એક સગીરા સાથે દુષ્કર્મ ગુજારી અપહરણ કરી લઈ જવાના કેસમાં કોર્ટે શખ્સને ૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો. જાણવા મળતી વિગત મુજબ, મહુવાની ભગવતી સોસાયટી નં.૨ ખાતે રહેતો લાલા રમેશભાઈ બારૈયા (ઉ.વ.૨૪) નામના શખ્સે અન્ય એક મહિલાની મદદગારીથી સગીરાને ગત તા.૧-૧૨-૨૦૨૧થી છએક માસ પહેલા બપોરના સમયે તેના ઘરે બોલાવી અડપલા કરી તેણીની મરજી વિરૂદ્ધ શારીરિક સબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આ શખ્સે અલગ-અલગ દિવસે સગીરા સાથે કુકર્મ આચરી તા.૧-૧૨-૨૦૨૧ના રોજ સવારના સમયે બાઈકમાં બેસાડી કાયદેસરના વાલીપણામાંથી તેણીનું અપહરણ કરી લઈ ગયો હતો.
આ બનાવ અંગે લાલા બારૈયા સામે ગત તા.૩-૧૨-૨૦૨૧ના રોજ ફરિયાદ દાખલ થતાં મહુવા પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (જે) (એન), ૧૧૪, ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૮ની કલમ ૩૭૬ (૩) અને પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૮, ૧૭ મુજબ ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાના ચોથા એડી.સેશન્સ જજ અને એફ.ટી.સી. (પોક્સો) કોર્ટના ન્યાયમૂર્તિ અતુલકુમાર એસ. પાટીલની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની અસરકારક દલીલો, ૫૦ દસ્તાવેજી અને ૧૫ મૌખિક પુરાવા વગરેને ધ્યાને રાખી મુખ્ય આરોપી લાલા બારઉયા સામે આઈપીસી ૩૬૬ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી સાત વર્ષ કેદની સજા, ૧૦ હજારનો રોકડ દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સખત કેદની સજા તેમજ આઈપીસી ૭૧ તથા જનરલ ક્લોઝીસ એક્ટની કલમ ૨૬ તથા પોક્સો એક્ટની કલમ ૪૨ સાથે વાંચતા પોક્સો એક્ટની કલમ ૬ મુજબના શિક્ષાપાત્ર ગુના સબબ તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા અને ૧૦ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. વધુમાં ભોગગ્રસ્તને પુનઃવસન માટે તેમજ શારીરિક-માનસિક વ્યથા સબબ ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ર્ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ ૩૩ (૮), સીઆરપીસી કલમ ૩૫૭ (એ) મુજબ આરોપીએ ભરેલી દંડની રકમ રૂપિયા ૨૦,૦૦૦નું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો હતો.




