કોલકાતામાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે સમગ્ર દેશમાં હજુ પણ તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો સહિત દેશભરમાં ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયે હવે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડના અધ્યક્ષપદે બેન્ચ મંગળવારે આ કેસની સુનાવણી કરશે. બીજીબાજુ દેશભરમાં ડૉક્ટરોના વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયે બધા જ રાજ્યોને તેમના ત્યાં કાયદો-વ્યવસ્થાની માહિતી પ્રત્યેક બે કલાકે ગૃહમંત્રાલયને મોકલવા નિર્દેશ આપ્યા છે. કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૯ ઑગસ્ટના રોજ મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં અંતે સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડ, ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ ૨૦ ઑગસ્ટને મંગળવારે સવારે સૌથી પહેલા આ કેસની સુનાવણી કરશે. અરજદાર આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, સિકંદરાબાદનાં બીડીએસ ડૉ. મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે ૧૪ ઑગસ્ટે અસામાજિક તત્વો દ્વારા આરજી કાર મેડિકલ કોલેજ પર કરવામાં આવેલા હુમલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્ટને આ કેસમાં સુઓમોટો નોંધ લેવા વિનંતી કરાઈ હતી. બીજીબાજુ ડૉક્ટરોના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે દરેક રાજ્યોને તેમના ત્યાં કાયદો અને વ્યવસ્થાની માહિતી દર બે કલાકે ગૃહ મંત્રાલયને આપવા નિર્દેશ આપ્યા છે.
રાજ્ય પોલીસ દળને મોકલાયેલા સંદેશામાં કહેવાયું છે કે વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખતા બધા જ રાજ્યોની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવી જોઈએ. બધા જ રાજ્યોને ઈમેલ, ફેક્સ અથવા વ્હોટ્સએપના માધ્યમથી કેન્દ્રને પ્રત્યેક બે કલાકે રિપોર્ટ મોકલવા જણાવાયું છે. દરમિયાન સીબીઆઈ આ કેસમાં તેની તપાસના સંબંધમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષની કોલ વિગતો અને ચેટની માહિતી એકત્ર કરી રહી છે. વધુમાં ડૉ.સંદીપ ઘોષની સતત ત્રીજા દિવસે સીબીઆઈએ પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ડૉ. ઘોષની શુક્રવારે લગભગ ૧૧ કલાક અને શનિવારે ૧૩ કલાક સુધી પૂછપરછ કરી હતી.
ડૉ.ઘોષ પૂછપરછ માટે રવિવારે સવારે ૧૧.૦૦ ફરી સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા અને કલાકો સુધી તેમની પૂછપરછ કરાઈ હતી. સીબીઆઈ અધિકારીએ કહ્યું કે, મહિલા ડૉક્ટરની મોતના સમાચાર મળ્યા પછી ઘોષની ભૂમિકા સ્પષ્ટ કરવા, માતા-પિતાને લગભગ ત્રણ કલાક સુધી રાહ કેમ જોવડાવી જેવા સવાલોના જવાબ આપવા જણાવાયું છે. હોસ્પિટલમાં ક્રાઈમ સીનવાળા રૂમના રિનોવેશનનો આદેશ કોણે આપ્યો હતો. આ ગુના પાછળ કોઈ કાવતરું છે કે કેમ અને તેની અગાઉથી યોજના બનાવાઈ હતી કે કેમ તેની સંભાવનાઓ સીબીઆઈ તપાસી રહી છે. બીજીબાજુ દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની એક ટીમે રવિવારે કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના મુખ્ય આરોપી સંજય રોયના સાયકો-એનાલિસીસ ટેસ્ટ શરૂ કરી છે.




