મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણ ગામની સીમમાંથી પસાર થતો વ્યારા-ઉનાઈ રોડ ઉપર સ્વામીનારાયણ મંદિરની સામે ટ્રક અડફેટે આવતા બાઈક ચાલક શખ્સને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં રામપુરાદુર ગામનાં ખાખરી ફળિયામાં રહેતા નીતિનભાઈ ઉર્ફે નીતેશભાઈ જેસિંગભાઈ ચૌધરી નાંઓ ગત તારીખ ૦૭/૦૮/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/પી/૭૦૮૧ને લઈ ડોલવણ ગામની સીમમાંથી પસાર થતો વ્યારા-ઉનાઈ રોડ ઉપર સ્વામીનારાયણ મંદિરની સામેથી પસાર થતા હતા તે દરમિયાન ટ્રક નંબર જીજે/૧૦/ટીએક્સ/૬૬૭૮નાં ચાલકે પોતાની કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી બાઈકનાં ચાલક નીતિનભાઈ ઉર્ફે નીતેશભાઈને અડફેટેમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં નીતિનભાઈ ઉર્ફે નીતેશભાઈને માથાનાં ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને શરીરે પણ ઈજા પહોંચી હતી. જયારે આ અકસ્માત બાદ નીતિનભાઈ ઉર્ફે નીતેશભાઈને પ્રથમ સારવાર ડોલવણ સરકારી હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે વ્યારા સરકારી હોસ્પિટલ ખાતે કરાવી ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવતા ત્યાં તેમનું સારવાર દરમિયાન તારીખ ૧૨/૦૮/૨૦૨૪નાં રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની નર્મદાબેન ચૌધરી નાંએ ટ્રક ચાલક વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




