Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હવામાન વિભાગે દેશના 16 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું : નવસારી અને વલસાડ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી-એનસીઆરમાં વરસાદ અટકવાનું નામ લેતો જ નથી હવે લોકો બફારાથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના અનુસાર, આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. આકાશમાં વાદળોએ અડિંગો જમાવ્યો છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આજે આ દેશના 16 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમાં ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, બંગાળ, નોર્થ ઇસ્ટ, કેરલ સામેલ છે. તો બીજી તરફ ગુજરાતમાં ગત 7 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લા પૂરમાં જળમગ્ન બની ચૂક્યા છે. હવામાન વિભાગે અરબ સાગરમાં ઉદ્ભવેલા અસના ચક્રવાતને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. હાલ ગુજરાતમાં વાવાઝોડાની આંશિક અસર જોવા મળી શકે છે.

કચ્છના ડીએમએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 3500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે 31 ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો એલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ગ્રીન એલર્ટ રહેશે. તારીખ 1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ તારીખ 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી તારીખ 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ ઍલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 4 સપ્ટેમ્બરના દિવસે ભરૂચ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત દાહોદ, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે 5 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આઇએમડીના અનુસાર રાજધાની દિલ્હીમાં 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડશે નહીં. જોકે આ દરમિયાન ભારે પવન ફૂંકાશે અને આકાશમાં વાદળો છવાયેલા રહેશે. મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24થી 25 ડિગ્રી વચ્ચે રહેશે. 2 સપ્ટેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 15 સપ્ટેમ્બર સુધી અને 23 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે સપ્ટેમ્બરના અંત સુધી અથવા ઑક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!