બાંગ્લાદેશમાં શેખ હસીનાએ પદત્યાગ કરી નવી દિલ્હીમાં આશ્રય લીધો. મહમ્મદ યુનુસની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી અને પૂર્વે પણ સમગ્ર દેશમાં વ્યાપી રહેલી અંધાધૂંધીમાં ત્યાં કટ્ટરવાદીઓનું જોર અત્યંત વધી ગયું છે અને ત્યાં હિન્દુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓ અને પારસીઓની પરિસ્થિતિ અતિ મુશ્કેલ બની રહી છે, તે પૈકી હિન્દુઓની તો હાલત તદ્દન બદતર થઈ ગઈ છે. સૌથી વધુ ખેદની વાત તે છે કે વિદ્યાર્થીઓ જ શિક્ષકોને ત્યાગપત્ર આપવાની ફરજ પાડી રહ્યા છે. તેમાં સૌથી વધુ નિશાન હિન્દુ શિક્ષકો, શિક્ષિકાઓ અને પ્રોફેસરો બની રહ્યાં છે.
આ ઘટનાઓનું કવરેજ કરનારા પત્રકારોની પણ હત્યા થઈ રહી છે. હિન્દુ મંત્રીઓ તો હવે રહ્યા નથી પરંતુ પૂર્વે મંત્રીપદે રહેલા હિન્દુઓની હત્યા થઈ રહી છે, તો કેટલાકને જેલમાં પૂરી દેવાયા છે અને તેઓને ત્રાસ આપવામાં આવે છે. બાંગ્લાદેશમાં લઘુમતિઓ વિશેષતઃ હિન્દુ લઘુમતિને નિશાન બનાવવામાં આવે છે. ‘લજ્જા’નાં લેખિકા સુધારાવાદી વિદૂષી તસ્લીમા નસરીને આ માટે મહમ્મદ યુનુસની સરકારની ઉગ્ર ટીકા કરી છે. તસ્લીમા નસરીન તો અત્યારે દેશવટો ભોગવી રહ્યાં છે. હિન્દુ શિક્ષકો પૈકી પચાસે તો ત્યાગપત્રો આપી દીધા છે.
આ પૈકી બાકેરગંજ ગવર્નમેન્ટ કોલેજ (બારીશાલ)માં ૨૯મી ઓગસ્ટે બનેલી એક ઘટના ટાંકતા ‘પ્રથમો-આવો’ નામના વર્તમાન પત્રે લખ્યું છે કે, તે કોલેજમાં પ્રિન્સીપાલ શુકલા રાની હલદરને વિદ્યાર્થીઓએ ઘેરી લઈ એટલી હદે હેરાન કર્યાં કે આખરે તેઓએ એક કોરા કાગળ ઉપર ‘હું ત્યાગપત્ર આપું છું’ તેમ લઘી પોતાના હસ્તાક્ષર કરી તેઓ કોલેજ છોડી ચાલ્યા ગયા. ૧૮ ઓગસ્ટે આઝીમપુર ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલ અને કોલેજમાં પ્રિન્સીપાલ ગીતાંજલિ બરૂઆ તેમજ આસીસ્ટન્ટ પ્રિન્સીપાલ ગૌતમચંદ્ર પોલને પણ રાજીનામું આપવાની કટ્ટરપંથી વિદ્યાર્થીઓએ ફરજ પાડી હતી. આ કટ્ટરપંથી વિદ્યાર્થીઓએ અહમદીયા મુસ્લીમો કે શિયાપંથી મુસ્લીમોને પણ છોડયા નથી. ફીઝીકલ એજ્યુકેશન ટીચર શહેનાઝા અખ્તરને પણ રાજીનામું આપવાની કટ્ટરપંથી વિદ્યાર્થીઓએ ફરજ પાડી હતી. આવી અનેક ઘટનાઓ દેશનાં વિવિધ શહેરોમાં બની છે.




