ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસ દ્વારા વલાદ બ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લેવામાં આવી હતી અને તેમાંથી ઉદેપુરના ડ્રાઇવરને પકડી ૬.૬૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ચિલોડા તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે નરોડા તરફ જઈ રહી છે.
જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા વલાદ બ્રિજ પાસે વાચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખી દેવામાં આવી હતી. જેમાં સવાર ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવતા તે રાજસ્થાન ઉદેપુરના જુવારવા ગામનો સંજય ઈશ્વર જોષીયારા હોવાના જણાવ્યું હતું તેમજ કારમાં તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી ૭૯૨ જેટલી બોટલો મળી આવી હતી. કાર અને દારૂ મળી શકે ૬.૬૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. એટલું જ નહીં આ દારૃનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.




