કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ એક બાદ એક વિવાદોમાં સંપડાઈ રહી છે. એક તરફ સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર નથી મળી રહ્યું અને બીજી તરફ હવે હાઈકોર્ટે રીલિઝ પર સ્ટે મૂક્યો છે. આ સાથે હવે નક્કી થઈ ગયું છે 6 સપ્ટેમ્બરે કંગનાની નવી મૂવી સિનેમાઘરોમાં નહીં આવે. કંગના રનૌતની ફિલ્મ પર જબલપુર હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે અને અંતે ફિલ્મની રીલિઝ પર ફરી એકવાર રોક લગાવવામાં આવી છે. ફિલ્મ માટે હાલમાં માત્ર ઓનલાઈન સર્ટિફિકેટ સીરીયલ નંબર જ જારી કરવામાં આવ્યો છે પરંતુ સેન્સર બોર્ડ દ્વારા હજુ સુધી સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી તેથી રીલિઝ પર પ્રતિબંધનો વિષય ઉભો થતો નથી. આ દલીલ સાંભળ્યા બાદ કોર્ટે અરજી રદ્દબાતલ કરી છે.
માત્ર આટલું જ નહીં, કંગનાની ‘ઇમરજન્સી’ના ટ્રેલર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શીખ સમુદાયના કેટલાક લોકો અને પ્રતિનિધિઓએ ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરી અને સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી જેના પર હાઈકોર્ટે વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે જો ફિલ્મ રીલિઝ થયા પછી પણ કોઈ વાંધો હોય તો અરજીકર્તાઓ કોર્ટમાં આવી શકે છે. ફિલ્મની કો-પ્રોડ્યુસ કંપની ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે પણ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે અને ‘ઇમરજન્સી’ની રીલિઝિંગ માટે મદદ અને સેન્સર સર્ટિફિકેટ માટેની માંગ કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સેન્સર બોર્ડે મનસ્વી રીતે અને ગેરકાયદેસર રીતે ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ રોકી રાખ્યું છે.
આ અરજી જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદૌસ પૂનાવાલાની ડિવિઝન બેંચ સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે મૂકવામાં આવી હતી, જેની સુનાવણી આજે થશે. કંગનાની ઈમરજન્સીને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પંજાબમાં આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે. શીખ સમુદાયના લોકોનું કહેવું છે કે ફિલ્મમાં તેમની ખોટી છબી બતાવવામાં આવી છે અને તથ્યોને વિકૃત કરવામાં આવ્યા છે. કંગના રનૌત ‘ઇમરજન્સી’માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તે 1975માં દેશભરમાં લાગુ કરવામાં આવેલ ‘ઇમરજન્સી’ પર આધારિત છે. ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી પણ મહત્વના રોલમાં જોવા મળશે.




