વહેલી સવારે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓના જણાવ્યાનુસાર ઈન્દોરથી જબલપુર તરફ જતી સુપરફાસ્ટ ઓવરનાઇટ એક્સપ્રેસના બે ડબા વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હતા. જેના પગલે ટ્રેન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. જોકે સદભાગ્યે તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે. રેલવે અધિકારીના જણાવ્યાનુસાર, આ ટ્રેન દુર્ઘટના પ્લેટફોર્મથી ટ્રેન ઉપડ્યાં બાદ લગભગ 150-200 મીટર દૂર થઇ હતી. તે સમયે સવારના 5:50 વાગી રહ્યા હતા. તમામ યાત્રીઓ પણ સુરક્ષિત છે અને તેમને પોતાના ઘરે અન્ય વ્યવસ્થા દ્વારા રવાના કરાયા હતા. હવે ટ્રેન ઓપરેશનની કામગીરી યોગ્ય રીતે ચાલી શકે તે માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેનને પણ પાટા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.




