બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેની છેલ્લા નવ મહિનાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો છે. ગણેશ ચતુર્થીના શુભ તહેવારના એક દિવસ બાદ એટલે કે આજે દીપિકા પાદુકોણની ડિલીવરી થઇ છે. અભિનેત્રીના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. શનિવારે સાંજે રણવીર સિંહે તેની પત્ની દીપિકાને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને હવે આ ખુશીના સમાચાર જાણવા મળ્યા છે. આજે ઋષિ પંચમીના શુભ અવસરે દીપિકા-રણવીરને જીવનની સૌથી મોટી ખુશી મળી ગઇ છે.
આ વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણે બધાને ખુશખબર શેર કરી હતી કે તે માતા બનવાની છે. લગ્નના 6 વર્ષ બાદ દીપિકા-રણવીર માતા-પિતા બની ગયા છે. સૂત્રોનું માનીએ તો દીપિકાએ સી-સેક્શન દ્વારા પુત્રીને જન્મ આપ્યો છે. અગાઉ એવા અહેવાલ હતા કે દીપિકા પાદુકોણ 28 સપ્ટેમ્બરે તેના બાળકને જન્મ આપશે, પણ તેને ડિલિવરીની તારીખના 20 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંનેના પરિવારો લિટલ એન્જલના આગમનથી ખૂબ જ ખુશ છે. ગણેશોત્સવના શુભ અવસર પર ઘરમાં દીકરીનો જન્મ બાપ્પાના આશિર્વાદથી કમ નથી. હૉસ્પિટલમાં દાખલ થતા પહેલા રણવીર-દીપિકા બાપ્પાના આશિર્વાદ લેવા સિદ્ધિ વિનાયકના મંદિરે પણ ગયા હતા.દીપિકા પાદુકોણ હાલમાં જ પ્રભાસ સ્ટારર કલ્કી 2898 એડીમાં જોવા મળી હતી, જે 2024ની સૌથી મોટી બ્લોકબસ્ટર બની હતી. તે હવે રોહિત શેટ્ટીના નિર્દેશક સિંઘમ અગેઇનમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ દીવાળી પર રિલીઝ થશે.



