વલસાડના કપરાડાના વરવઠ ગામના બાળદેવી ફળિયામાં મધુભાઈ બાપુભાઈ માછી ફળિયામાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમના ફળિયામાં રહેતા તેમના પિતરાઈ ભાઈ અજીત રવજીભાઈ માછી અને નાઈક ફળિયામાં રહેતા શ્રીમન ઝુલિયાભાઈ નિંબારા વચ્ચે ગત તારીખ ૦૯-૦૩-૨૫ નારોજ કપરાડાના લવકાર ગામે ભરાતા હાટબજારમાં કોઈક બાબતે તકરાર થઈ હતી. ગત તારીખ ૧૪-૦૩-૨૫ નારોજ ગામના નાઈક ફળિયામાં રહેતા સુરેશભાઈ નિંબારા તેના પુત્રો વિશાલ અને અક્ષય અને મનહરભાઈ રમેશભાઈ ભોયા હાટની તકરાર બાબતે બોલાચાલી કરી રહ્યા હતા જેથી દુકાનમાં તે સમયે હાજર મધુભાઈને માતા રેશ્માબેને જાણ કરી હતી. 
તે પહેલા નાઈક ફળિયાના તમામ રહીશો દુકાન પાસેથી પરત ચાલ્યા ગયા હતા. થોડા સમય બાદ વિશાલ અને મનહરભાઈ પરત મધુભાઈની દુકાન પર આવતા મધુભાઈએ બન્નેને દુકાન પાસે ‘તકરાર કેમ કરો છો’ તેવો પૂછતાં ઉશ્કેરાયેલા બંનેએ ટકોર કરનાર મધુભાઈને માર મારવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન આ સ્થળે હાજર મધુભાઈના પિતા બાપુભાઈ તેમના પિતરાઈ કાકા ફુલજીભાઈ અને પિતરાઈ ભાઈ નવીન મધુભાઈ પાસે આવી જતાં દુકાનદારને મારનાર મનહરભાઈએ વિશાલના પિતા સુરેશભાઈને જાણ કરી હતી. તેથી તેઓ એમના પુત્ર અક્ષય સાથે આવી પહોંચ્યા હતા. મધુભાઈના પિતા બાપુભાઈએ સુરેશને સમજાવવાનો પ્રયાસ કરવા ઉપરાંત પુત્રને સાથે લઈ જવાની ટકોર કરી હતી. પરંતુ સુરેશભાઈએ બાપુભાઈને માર મારવાનું શરૂ કર્યું હતુ. તેથી મધુભાઇના પિતરાઈ કાકા ફુલજીભાઈ બચાવવા દોડી જતા સુરેશભાઈએ ફુલજીભાઈને માર મારી જમીન ઉપર પાડી દીધા હતા. બાદમાં પથ્થર વડે ફુલજીભાઈના માથા પર ઘા મારી તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી. બીજી તરફ અક્ષયે પણ ફુલજીભાઈના પુત્ર નવીનને માર માર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા સી.એચ.સી.માં દાખલ કરવામાં આવ્યા હતા.



