હૃતિક રોશનની ફિલ્મ ‘વોર ટૂ’ની રીલિઝમાં વિલંબ થવાનો નથી અને અગાઉ થયેલી જાહેરાત અનુસાર તે આગામી ઓગસ્ટ માસમાં નિશ્ચિતપણે રીલિઝ થશે એવી સ્પષ્ટતા ફિલ્મની નિર્માતા કંપની યશરાજ ફિલ્મ્સએ કરવી પડી છે. વાસ્તવમાં થોડા દિવસો પહેલાં હૃતિક કાખઘોડી સાથે જોવા મળ્યો હતો. 
તેની સાથે સાથે એવી ચર્ચા પણ પ્રસરી હતી કે હૃતિકની ઈજાના કારણે ફિલ્મનું કેટલુંક કામ ઠેલાઈ ગયું છે અને તેના કારણે ફિલ્મ આગામી ઓગસ્ટની ડેડલાઈન અનુસાર રીલિઝ થવાની નથી. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખરજીએ ક્યું છે અને તેમાં હૃતિક સાથે જુનિયર એનટીઆરની પણ મહત્વની ભૂમિકા છે. મૂળ ‘વોર’ ફિલ્મ ૨૦૧૯માં રીલિઝ થઈ હતી. તે પછી યશરાજ દ્વારા તેનાં સ્પાય યુનિવર્સને વિસ્તારવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની આગામી લેડી સ્પાય ફિલ્મ ‘આલ્ફા’માં પણ હૃતિક તેના ‘વોર’નાં કેરેકટરમાં જોવા મળશે.



