Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વલસાડમાં ‘વિશ્વ ચકલી દિવસ’ અને ‘શહીદ દિવસ’ની ઉજવણી કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા તિથલ રોડ ઉપર વિશ્વ ચકલી દિવસ અને શહીદ દિવસની ઉજવણી નિમિત્તે લુપ્ત થઈ રહેલી ચકલીને બચાવવા માટે ૫૦૦૦ ચકલી ઘર અને પક્ષીઓને પીવાના પાણી માટે ૪૦૦૦ બાઉલનું નિઃશૂલ્ક વિતરણ શહેરની જનતાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે, સેવા મિત્ર મંડળની પ્રવૃતિ બિરદાવવા લાયક છે. પર્યાવરણનું જતન કેવી રીતે કરી શકાય, ખોવાઈ ગયેલી ચકલીઓની સંખ્યામાં કેવી રીતે વૃધ્ધિ કરી શકાય તે માટે નવી નવી પહેલ આ મંડળ દ્વારા કરવામાં આવે છે.

પ્લાસ્ટીકના વપરાશથી પર્યાવરણને કેટલુ નુકસાન થઈ રહ્યુ છે તે અંગે લોકોને જાગૃત કરવા આજે અહીં પ્લાસ્ટીકનો રાક્ષસ પણ બનાવાયો છે. મનુષ્ય પાણી બનાવી શકતો નથી પણ બચાવી તો શકે જ છે થીમ ઉપર બોરને રીચાર્જ કરો, પ્રકૃતિ બચાવોની રેઈન વોટર હાર્વેસ્ટીંગ (કેચ ધ રેઈન)નું મોડલ પણ અહીં જનજાગૃતિ માટે ઉભુ કરવામાં આવ્યુ છે. સેવા મિત્ર મંડળના સેવક અક્ષયભાઈ સોની જણાવે છે કે, એક દાયકા ઉપરાંતથી ‘ચકલી બચાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વધતા જતા પ્રદૂષણ, જંગલોનો વિનાશ, પાકા રસ્તા, વધતુ જતુ શહેરીકરણ અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે જેથી મંડળ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી હતી. શરૂઆતમાં કાગળના પૂઠાંના માળા બનાવવામાં આવતા હતા.

પરંતુ ચોમાસામાં તે બગડી જતા હોવાથી હવે લાકડા અને પ્લાયવૂડના મજબૂત ચકલી ઘર બનાવવામાં આવે છે. જે ચોમાસામાં પણ અડીખમ રહે છે. મંડળ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતાના ઘરની બારી, દરવાજા કે ઓટલા પર ચકલીઓ માટે માળા અને પાણીના પાત્રો મૂકે જેથી ધગધગતા ઉનાળામાં ચકલી સહિતના અબોલ જીવને આશ્રયસ્થાન મળી રહે છે. અહીંથી નિઃશૂલ્ક માળા લઈ જનાર શહેરીજનોને ચકલી ઘરમાં ચકલી પોતાના બચ્ચાને ઉછેરતી હોય તેવી સેલ્ફી મંડળને મોકલવા માટે અનુરોધ કરવામાં આવે છે. લોકો દર વર્ષ ચકલી સાથેની સેલ્ફી મોકલી પણ રહ્યા છે.

આ રીતે લોકોમાં ચકલીઓ પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે. અમારૂ માનવુ છે કે, બધા સાથે મળીને સહિયારા પ્રયાસ કરશે તો ફરી એકવાર ચકલીની ચી..ચી.. આપણા આંગણામાં ગુંજી ઉઠશે. ઉલ્લેખનીય છે કે, વલસાડ સેવા મિત્ર મંડળના જીવદયા પ્રેમી વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી પોતાની પોકટમનીમાંથી પશુ-પક્ષી અને અબોલ જીવ પ્રત્યે સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે. સેવા મિત્ર મંડળના નેજા હેઠળ છેલ્લા ૧૧ વર્ષથી અવિરતપણે ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિમાં મંડળના તમામ વિદ્યાર્થીઓ હાલ ભણી ગણીને પોતાના નોકરી ધંધા અને ઘર સંસારમાં વ્યવસ્ત થઈ ગયા છે પરંતુ તેઓની સેવાકીય પ્રવૃત્તિની મહેક આજપર્યંત સમગ્ર પંથકમાં પ્રસરી રહી છે. સેવા મિત્ર મંડળ દ્વારા અત્યાર સુધીમાં ૪૧ હજારથી વધુ ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!