Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચૈત્ર નવરાત્રી પર ઘટસ્થાપનનો શુભ સમય અને વિધિ જાણીએ વિગતવાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હિંદુ તહેવારામાં નવરાત્રીના તહેવારનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. નવરાત્રીનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે એક નવરાત્રી વસંતમાં આવે છે જેને ચૈત્ર નવરાત્રી પણ કહેવાય છે, જ્યારે બીજી નવરાત્રી શરદ ઋતુમાં આવે છે જેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે નવરાત્રીમાં દેવી દૂર્ગાના નવ રૂપોની આરાધાના કરવાનું ધાર્મિક મહત્વ રહેલું છે. હિંદુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025થી શરૂ થશે. આ નવ દિવસો દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે જેથી દરેક ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે. નવરાત્રી હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેનું મહત્વ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે.

ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રી દરમિયાન દેવી દુર્ગા 9 દિવસ માટે પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. નવરાત્રીએ નવ દિવસનો તહેવાર છે, જેમ કે તેનું નામ છે, જેમાં નવરાત્રીનો અર્થ ‘નવ રાત’ થાય છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમ કે દેવી શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. પરંતુ આ વર્ષે 2025માં ચૈત્ર નવરાત્રી નવને બદલે 8 દિવસની છે.

ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી પર ઘટસ્થાપનનો શુભ સમય અને વિધિ. ઘટસ્થાપન નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે. ઘટસ્થાપન પછી, નવ દિવસની નવરાત્રી શરૂ થાય છે. પરંતુ ઘટસ્થાપન શુભ સમયે અને યોગ્ય પદ્ધતિથી કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો, જાણો નવરાત્રીના પહેલા દિવસે એટલે કે રવિવાર, ૩૦ માર્ચ, ૨૦૨૫ નારોજ ઘટસ્થાપન માટે કયો શુભ સમય રહેશે. ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન માટે એક નહીં પણ બે શુભ મુહૂર્ત હશે. પહેલો શુભ મુહૂર્ત ૩૦ માર્ચે સવારે ૬:૧૩થી ૧૦:૨૨ વાગ્યા સુધી રહેશે. બીજો શુભ સમય બપોરે ૧૨:૦૧થી ૧૨:૫૦ સુધીનો રહેશે. આ બંને સમય ઘટસ્થાપન અથવા કાલસ્થાપન માટે ખૂબ જ શુભ છે.

ઘટસ્થાપન અથવા કળશ સ્થાપન માટે શુદ્ધ માટીમાં જવ ભેળવો. તેને માં દુર્ગાની મૂર્તિ પાસે રાખો. પછી તેના પર માટીનું વાસણ મૂકો અને તેમાં ગંગાજળ ભરો. હવે કળશમાં લવિંગ, હળદરની ગાંઠ, સોપારી, દૂર્વા અને એક રૂપિયાનો સિક્કો નાખો. પછી ઉપર 5 કેરીના પાન મૂકો અને કળશ પર માટીનું ઢાંકણ મૂકો. ઉપર ચોખા, ઘઉં અને નાળિયેર મૂકો. નારિયેળ મૂકતા પહેલા, તેના પર સ્વસ્તિક ચિહ્ન બનાવો, તેને લાલ કપડામાં લપેટો અને તેના પર દોરો બાંધો. કળશ સ્થાપિત કર્યા પછી, માં દુર્ગા અને માં શૈલપુત્રીની પૂજા કરો. દેવીને સફેદ ફૂલો, સિંદૂર, કુમકુમ, ચોખા, પ્રસાદ વગેરે અર્પણ કર્યા પછી, ઘીનો દીવો પ્રગટાવો અને મંત્ર જાપ કર્યા પછી આરતી કરો.

વધુમાં ચૈત્ર માસમાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો આવે છે. નવરાત્રિની જેમ રામનવમી, પાપમોચિની એકાદશી અને હનુમાન જયંતિ વગેરે આ મહિનામાં આવે છે. આ મહિનામાં લેવાયેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

ચૈત્ર માસમાં શું કરવું : ચૈત્ર મહિનામાં પીપળના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો અને તેના પર લાલ રંગ ચઢાવો. કહેવાય છે કે, તેનાથી જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે, આ મહિનામાં આવતા દર ગુરુવારે કેળના ઝાડની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોનો 108 વાર જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે જેના કારણે જીવનમાં માનસન્માન વધે છે, ચૈત્ર મહિનામાં સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને તેમને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. આ મહિનામાં સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે, સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને દરેક રોગમાંથી મુક્તિ મળે છે, આ માસમાં પ્રાણીઓને પાણી પીવડાવવું જોઈએ અને પશુ-પક્ષીઓને દરરોજ ખવડાવવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પશુ-પક્ષીઓને અન્ન અને પાણી આપવાથી અને તેમની સેવા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે, દેવી દુર્ગા ઉપરાંત ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી તમારા અને તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે, જેના કારણે તમારા ઘરમાં સંપત્તિ બની રહે છે, ચૈત્ર માસમાં દાન અને દક્ષિણાનું વિશેષ મહત્વ છે. લાલ રંગના કપડામાં 5 પ્રકારના લાલ ફળ અને ફૂલ રાખો અને બ્રાહ્મણોને દાન કરો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

નવરાત્રીમાં નવ દિવસ માતાજીનાં અલગ અલગ નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે… 

નવરાત્રીનાં પ્રથમ દિવસે ‘માં શૈલપુત્રી’ની ઉપાસના કરવામાં આવે છે, શૈલપુત્રીએ માં પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. માં શૈલપુત્રી નો મંત્ર, “ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:”,

બીજા દિવસે ‘માં બ્રહ્મચારિણી માં દુર્ગા’નું જ એક સ્વરૂપ છે જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવમાં આવે છે. બીજા દિવસે ‘માં બ્રહ્મચારિણી’ની ઉપાસના કરવામાં આવે છે. માં બ્રહ્મચારિણી નો મંત્ર, “ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:”,

ત્રીજા દિવસે ‘માં ચંદ્રઘટા પણ માં દુર્ગા’નું એક સ્વરૂપ છે જેના મસ્તક પર અર્ધચંદ્ર શોભાયમાન હોય છે. ત્રીજા દિવસે ‘માં ચંદ્રઘટા’ની ઉપાસના કરવામાં આવે છે. માં ચંદ્રઘંટા નો મંત્ર, “ॐ ऐं ह्रीं क्लीं चन्द्रघंटायै नम:”,

ચોથા દિવસે માં કુષ્માંડા ના નામનો અર્થ “કુ”, “ઉષ્મા” અને “અંડા” શબ્દોને સાથે માંડીને થાય છે જેમાં “કુ” એટલે થોડું, “ઉષ્મા” એટલે શક્તિ અને “અંડા” એટલે ઈંડુ આવો અર્થ થાય છે. માં કુષ્માંડા સર્જનની દેવી તરીકે પૂજવામાં આવે છે, નવરાત્રીના ચોથા દિવસે તેની ઉપાસના કરવામાં આવે છે. માં કુષ્માંડા નો મંત્ર, “ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै नम:”,

પાંચમા દિવસે ‘માં સ્કંદમાતા કાર્તિકેયના માતા છે, જેના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજનમાં હોય છે અને તેઓ જ્ઞાન અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજાય છે. નવરાત્રીના પાંચમા દીવસે ‘માં સ્કંદમાતા’ની ઉપાસના કરવામાં આવે છે. માં સ્કંદમાતા નો મંત્ર, “ॐ ऐं ह्रीं क्लीं स्कंदमा‍तायै नम:”,

છઠ્ઠા દિવસે માં દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે ‘માં કાત્યાય’ની કે જેમના એક હાથમાં તલવાર અને એક હાથમાં કમળ હોય છે, જેમની ઉપાસના નવરાત્રીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. માં કાત્યાયની માતા નો મંત્ર, “ॐ क्रीं कात्यायनी क्रीं नम:”,

સાતમા દિવસે માં કાલરાત્રિ એટલે માં દુર્ગાનું સૌથી રુદ્ર સ્વરૂપ, જે આસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે નવરાત્રીના સાતમા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. માં કાલરાત્રિ નો મંત્ર, “ॐ ऐं ह्रीं क्लीं कालरात्र्यै नम:”,

આઠમા દિવસે મહાગૌરી માતા પણ માં દુર્ગાનું સ્વરૂપ છે, જેના એક હાથમાં ડમરુ અને એક હાથમાં ત્રિશુલ ધારણ કરેલું હોય છે. માં મહાગૌરી દયા અને કરુણાની દેવી તરીકે પૂજાય છે, જેની ઉપાસના નવરાત્રીના આઠમા દિવસે કરવામાં આવે છે. માં મહાગૌરી નો મંત્ર, “ॐ ऐं ह्रीं क्लीं महागौर्ये नम:”,

નવમા દિવસે માં સિધ્ધિદાત્રી તેમના ઉપાસકની ઈચ્છાપૂર્તિ અને મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમનું નામ સિધ્ધિદાત્રી છે, જે માં દુર્ગાનું નવમું સ્વરૂપ છે અને તેની ઉપાસના નવરાત્રીના નવમાં દિવસે કરવામાં આવે છે. માં સિદ્ધિદાત્રી નો મંત્ર, “ॐ ऐं ह्रीं क्लीं सिद्धिदात्र्यै नम:”

જયારે વધુમાં ચૈત્ર મહિનો ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણ માટે તથા સ્વાસ્થ્યની બાબતમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૈત્ર નવરાત્રીએ ઋતુ પરિવર્તનનો સમય છે, જેથી આ દરમિયાન શરીરને સ્વસ્થ રાખવા માટે હળવો અને સરળતાથી પાચન થઈ શકે તેવો ખોરાક ખાવો જોઈએ અને વધુ પાણી પીવું જોઈએ. ચૈત્ર નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. તમને જણાવી દઈએ કે, ઉપવાસ ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરે છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!