Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉત્તર ડાંગ વન વિભાગનો વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ અભિગમ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતના ઘરેણાં સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વન્યજીવો માટે, વન વિભાગે આ ધોમધખતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફૉરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે સાથે પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે. ડાંગ જિલ્લાનો વન વિસ્તાર બે ભાગોમાં વહેંચાયેલો છે. ઉત્તર ડાંગ, અને દક્ષિણ ડાંગ. જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ ૫૬૦૦૬.૯૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયલો છે. જેમાં કુલ ૮ રેન્જ કાર્યરત છે. જેમાં આહવા (પશ્ચિમ) , સુબીર, લવચાલી, કાલીબેલ, શિંગાણા, પિપલાઇદેવી, ભેંસકાત્રી અને બરડીપાડા રેંન્જ કાર્યરત છે. ઉત્તર વન વિભાગના કાર્યક્ષેત્રમાં ગુજરાતના ઘરેણાં સમાન ‘પૂર્ણા વન્ય જીવ અભ્યારણ્ય’નો પણ સમાવેશ થાય છે. જેનો કુલ વિસ્તાર ૧૬૦.૮૪ કિ.મી.વર્ગમાં વિસ્તરેલ છે.

વન્ય જીવ અને વનસંપદાની દ્રષ્ટિએ, પુર્ણા વન્ય જીવ અભ્યારણ્ય એક સમૃદ્ધ બાયોડાયર્વસિટી હોટસ્પોટ તરીકે અગત્યનું મહત્વ ધરાવતા, ભારતના પશ્ચિમ ઘાટનો ઉત્તરીય ભાગ છે. આ વન્યજીવ અભ્યારણ્યના તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ તથા પક્ષીઓના સંરક્ષણ, સંવર્ઘન માટે પ્રતિબદ્ધ ફોટેસ્ટ ફોર્સ દ્વારા, ચાલુ ઉનાળાની ધોમધખતી ઋતુમાં, હીટવેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ, આ વનિલ જીવો માટે વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીના માર્ગદર્શન હેઠળ, તમામ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીઓ, તેમના ચુનંદા લાશ્કરો સાથે, આ પુણ્યકાર્યમાં જોતરાયા છે. વનોમાં વસતા વન્યપ્રાણીઓને ખાસ કરીને પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર, પુર્ણા વન્ય જીવ અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં, કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે. જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે, અને ક્ષેત્રિય વનકર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડી જોડવામાં આવે છે.

આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રે૫ કેમેરા ગોઠવીને, વન્યપ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે. ઉત્તર વન વિભાગના જંગલમાં આવા કુલ ૮૮ જેટલાં કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે, બીજા ૧૫૩ જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી, વન્યજીવો માટે પાણીની કોઈ અછત ના રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા નવા પ૦ જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન વિચારાધીન છે. ઉલ્લેખનીય છે કે, પૂર્ણા અભ્યારણ્યમાં માંસહારી વન્યજીવોમાં મુખ્યત્વે દિપડા, ઝરખ, જંગલી બિલાડી જેવા વન્ય પ્રાણી જોવા મળે છે તથા તૃણાહારી પ્રાણીઓમાં મુખ્યત્વે ચિત્તલ(હરણ) ભેકર, ચૌશિંગા, માંકડા, જંગલી ભુંડ વગેરે જોવા મળે છે. આ વિસ્તારમાં ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!