ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ ખેત પેદાશોના વેચાણ દરમિયાન ખેડૂતોને અનુકૂળ માહોલ મળે તે માટે નવસારી જિલ્લા પંચાયત દ્વારા જુનાથાણા પર દર અઠવાડીયાના સોમવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનોની વેચાણ કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્ય સરકાર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતીના ફાયદાથી પ્રેરાઇને પ્રાકૃતિક ખેતી તરફ વળનાર નવસારી તાલુકાના ઉન ગામના રીટાબેન પ્રમોદભાઇ પટેલ પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી સ્થાનિકોને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.
પ્રાકૃતિક ખેડૂતમિત્ર રીટાબેન પ્રમોદભાઇ પટેલ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આત્મા પ્રોજેક્ટ દ્વારા કૃષિ લગતી તાલિમો મેળવી તેમની પ્રેરણા થકી ખર્ચાળ ખેતી સરળ બની છે. આજે ઘર આંગણે જ એક આવકનું માધ્યમ ઊભુ થવાના કારણે આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ખેતરમાં મિશ્રપાકવાળી પધ્ધતિ અપનાવી કેરી , તુવેર, પાપડી, ચોરી, ગુવાર, રિંગણ, એલચી કેળા, પપૈયા, ફુદીનો જેવા શાકભાજી ઉગાડીને સારી કમાણી કરી રહ્યા છે. સાથે અઠવાડિયાના ચાર દિવસ નવસારી જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા નક્કી કરેલ વેચાણ કેન્દ્ર પર શાકભાજીનું વેચાણ કરી સારામાં સારો નફો મેળવી રહ્યા છે.
વધુમાં, વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી દ્વારા પાકનું વર્ષભર વાવેતર કરી નોંધપાત્ર નફો કમાતા રીટાબેન પટેલ જણાવે છે કે, તેઓ પોતાના જ ખેતરમાં પોતે જ પ્રાકૃતિક ખાતર બનાવે છે. અને કેટલાય સમયથી તે પ્રાકૃતિક ખાતરથી જ તમામ પ્રકારની ખેતી કરે છે. અને તેનાથી તેમની જમીનની ફળદ્રુપતા અને પાક પણ સારો મેળવી રહ્યા છે. રાસાયણિક ખેતીના કારણે મારી જમીન કડક અને ક્ષારવાળી બની ગઇ હતી. પાણીનો વપરાશ વધુ પ્રમાણમાં થતો હતો અને પાકનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું હતું. ઉપરાંત અવનવી જીવાતો આવવા લાગી તેમજ દવાનો ખર્ચ વધારે થતો હતો. આમ પાક વેચવાથી જે કમાણી થતી હતી તે ખાતર અને દવામાં જ વપરાઇ જતી હતી. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી જમીનની ફળદ્રુપતા વધી છે, ક્ષાર ઘટ્યો છે તેમજ બજારમાંથી કોઇ દવા કે ખાતરની ખરીદી કરવી પડતી ન હોવાથી સારો નફો મને મળી રહ્યો છે.
