વર્ષ ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર વર્ષે ૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ (World theater day) તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો અને નાટ્ય કલાકારોને પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારે વલસાડની ભૂમિ નાટ્ય કલા ક્ષેત્રે હંમેશા ગૌરવવંતી રહી છે. જેમાં વલસાડ પારડીના નાટયકાર સતિષભાઈ દેસાઈનું બહુમૂલ્ય યોગદાન ગણાય છે. તેમણે સ્થાપેલી રંગપૂજા થિયેટર્સ સંસ્થાએ બે દાયકાની સફર દરમિયાન ૫ હજારથી વધુ યુવા કલાકારોને રંગમંચ પુરો પાડી તેઓની કૌશલ્ય શક્તિને મંચ પુરો પાડવામાં અહમ ભૂમિકા નિભાવી છે.
ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી, બંગાળી, ઉડિયા, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી જેવી અનેક ભાષાના નાટકોનો ગૌરવશાળી ઈતિહાસ છે. ત્યારે વલસાડ શહેરના વલસાડ પારડી ખાતે કહાન ફળિયામાં રહેતા સતિષ અમ્રતલાલ દેસાઈ વલસાડ રંગભૂમિ ક્ષેત્રે મુઠ્ઠી ઊંચેરૂ નામ ગણાય છે. નાટકની દુનિયામાં પા પા પગલીથી માંડીને વિશાળ વટવૃક્ષ સમાન ઉભી કરેલી રંગપૂજા થિયેટર્સ અંગે તેઓ ભૂતકાળ વાગોળતા જણાવે છે કે, નાટક પ્રત્યે વલસાડનો અભિગમ હંમેશા ભાવાત્મક અને ભવ્ય રહ્યો છે. હું નાનો હતો ત્યારે અનાવિલ સમાજના ગામે ગામ દિવાળી પર્વે મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા તેમાં નાટકનો પણ સમાવેશ થતો હતો. ત્યારના જમાનામાં ટીવી પણ ન હતા. નાટક જ મનોરંજનનું પ્રત્યક્ષ માધ્યમ હતું. ત્યારે ૮ વર્ષની ઉમંરે મને નાટકમાં અભિયન કરવાનો શોખ જાગ્યો હતો. મારા આ શોખને કોલેજ કાળમાં ખિલવવાનો અવસર મળ્યો હતો.
વર્ષ ૧૯૭૧માં કોલેજમાં પ્રબોધ જોશી લિખિત ‘‘માફ કરજો નાટક તો થશે જ ’’ ત્યારબાદ ૧૯૭૩માં ‘‘દો ગજ કફન’’ સહિત ભિક્ષુક સમાજ પર ‘‘સમભવામિ યુગે યુગે’’, વિધવા વિવાહને પ્રાધાન્ય આપતુ ‘‘આંતર મનની આરપાર’’, પેટીયુ રળતી મહિલાના સન્માનની વાત કરતુ ‘‘છોડ મારો હાથ’’, ‘‘કોરોના કાળમાં લોકોને કાળજી રાખવા અને હિંમત રાખવાનો સંદેશ આપતું ‘‘કોરોના કંઈ વાઘ નથી’’, વૃધ્ધ લોકોની માનસિક સ્થિતિ દર્શાવતું ‘‘વૃધ્ધાશ્રમની જરૂર છે’’, મૃત્યુ પછી જીવન એટલે ચક્ષુદાન સહિતના ૨૮ નાટક કે જેમાં મેં પોતે અલગ અલગ પાત્રમાં અભિનય કર્યો હતો. આ સિવાય કુલ ૫૭ એવા નાટક કર્યા કે જેમાં રાઈટર, ડાયરેકટર કે કલાકારોને શીખવવાની ભૂમિકા નિભાવી હતી. મારા અત્યાર સુધીના કેરિયરમાં વિધવા વિવાહ ઉપરનું આંતરમનની આરપાર નાટક રાજ્યમાં સતત ૩ વર્ષ સુધી પ્રથમક્રમે વિજેતા રહ્યુ હતું અને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ શેરીનાટક દ્વારા સામાજિક જાગૃત્તિ વિષય અંગે પણ અનેક નાટક ભજવ્યા હતા.
રાજ્યના પોલીસ વિભાગ દ્વારા દારૂબંધી વિષય ઉપર સ્ત્રી દાક્ષિણ્ય અંગે તિથલ બીચ પર ૨૦૦૦ લોકોની ઉપસ્થિતિમાં પણ નાટક રજૂ કર્યુ હતું. નાટય કલાનો વ્યાપક ફેલાવો થાય તે માટે વર્ષ ૧૯૮૯માં રંગપૂજા થિયેટર્સ સંસ્થાની સ્થાપના કરી હતી. જેના દ્વારા સતત ૧૯ વર્ષ એકાંકી નાટ્ય સ્પર્ધા અને લઘુ નાટક સ્પર્ધા આંતર શાળાઓમાં થઈ હતી. જેમાં વિવિધ જિલ્લાના ૫૦૦૦ યુવા કલાકારોને રંગમંચ પુરૂ પાડ્યુ હતું. આ સિવાય વિદેશની ધરતી કેનેડામાં પણ વર્ષ ૨૦૧૧માં ભારતની સંસ્કૃતિનો પ્રચાર કરતુ ‘‘કેનેડામાં કાંતા માસી’’ નાટક ત્યાંના જ કલાકારો દ્વારા ભજવાયુ હતું. હાલમાં નવી પેઢીમાં સમીર પી. દેસાઈ અને મિતુલ વાય વર્મા રંગભૂમિને અર્વાચીન કરવા કટિબદ્ધ છે.
બોક્ષ મેટર વર્ષ ૨૦૨૪-૨૫માં સતિષભાઈ દેસાઈ રાજય કક્ષાના ચાર એવોર્ડથી સન્માનિત થયા અખિલ ભારતીય સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા દર વર્ષે લલિત કલાના વિવિધ વિષયના કલાકારોને પસંદ કરી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં નાટક ક્ષેત્રે વલસાડપારડીના સતિષભાઈ દેસાઈને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આ એવોર્ડ મળ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્ય કક્ષાના ચાર એવોર્ડથી સતિષભાઈનું સન્માન કરવામાં આવ્યુ છે. સંગીત નાટ્ય અકાદમીનો વિશિષ્ટ એવોર્ડ જે વર્ષોથી લલિત કલાના ચાર વિષય સંગીત, નૃત્ય, નાટક અને લોક કલા માટે અપાય છે. જેમાં રૂ. ૫૧,૦૦૦ રોકડા અને તામ્રપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત થાય છે. ૨૨ વર્ષ પહેલા સંગીત ક્ષેત્રે આ એવોર્ડ વલસાડના ભીખુભાઈ ભાવસારને એનાયત થયો હતો, ત્યારબાદ વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષનો નાટક કલા ક્ષેત્રના બહુપ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કાર એવોર્ડ માટે સતિષભાઈની પસંદગી થઈ છે. બોક્ષ મેટર ગુજરાતની રંગભૂમિને શીઘ્ર લઘુ નાટ્ય સ્પર્ધા સતિષભાઈ દેન નાટક અલગ અલગ પ્રકારે ભજવાતા હોય છે જેમાંથી શીઘ્ર લઘુ નાટ્ય સ્પર્ધા ગુજરાતની રંગભૂમિને સતિષભાઈ દેસાઈની દેન છે.
જે અંગે તેઓ જણાવે છે કે, આ નાટકમાં આગલા દિવસે પોસ્ટથી નાટકનો પ્લોટ કલાકારોને મોકલવામાં આવતો હતો. ૨૦ મીનિટના શીઘ્ર લઘુ નાટકની તૈયારી કરવા માટે ૪૮ કલાક મળતા હતા. જે ઘણા લોકપ્રિય બન્યા હતા. બોક્ષ મેટર નાટક પ્રિય વલસાડની જનતાને રંગભૂમિના દિગ્ગજ કલાકારોએ મનોરંજન પિરસ્યુ વિશ્વ રંગભૂમિ દિવસે ભારત સહિત દુનિયાભરમાં ઘણા સ્થળોએ પ્રખ્યાત કલાકારો દ્વારા લોકપ્રિય નાટકો પ્રસ્તુતિ કરવામાં આવે છે. ત્યારે સંસ્કૃતિ અને કલા પ્રિય શાંત શહેર વલસાડે આજે પણ નાટ્ય કલાનો સમૃધ્ધ વારસો જાળવી રાખ્યો છે તે ગૌરવની વાત છે.
આ અંગે ધ્વનિ ગૃપના કલ્પેશ દેસાઈ જણાવે છે કે, નાટક જ મનોરંજનનું એક એવુ માધ્યમ છે કે જે પરિવાર સાથે જોઈ શકાય છે, માણી શકાય છે અને આપણા વલસાડની જનતા નાટક પ્રિય છે. મારી સાથે અંદાજે ૭૦૦ સભ્યો જોડાયેલા છે. સામાજિક સંબંધો અને પરિવારની ભાવનાને વધુ મજબૂત બનાવે તેવા દર મહિને એક નાટક રજૂ કરાય છે, જેમાં અત્યાર સુધીમાં વલસાડની ભૂમિ પર નાટક ક્ષેત્રના દિગ્ગજ કલાકાર કહેવાય એવા સિધ્ધાર્થ રાંદેરીયા, સંદિપ ગોરડીયા, પરેશ રાવલ, અપરા મહેતા, સુજાતા મહેતા, ફિરોઝ ભગત, ધર્મેશ વ્યાસ અને પદમારાણી સહિતના ટોચના કલાકારો આવી ચૂક્યા છે અને વલસાડવાસીઓને મનોરંજન પિરસ્યુ છે.
